તાજા જન્મેલા બાળકોમાં ઘણી વખત ખોડખાંપણ જોવા મળે છે. જે પૈકી કેટલાક બાળકો વાંકાચુકા પગ સાથે જન્મે છે. આવા બાળકોની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અનુષ્કા ફાઉન્ડેશનના સંકલ્પથી તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા સ્થિત જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલ ખાતે ક્લબ ફુટ ક્લિનિક કાર્યરત કરવામાં આવેલી છે.
ક્લબ ફુટ ક્લિનિકમાં નવજાત શિશુથી 18 વર્ષ સુધીના જન્મજાત વાંકાચુકા પગવાળા બાળકોને બુટ+બાર=બ્રેસ નિઃશુલ્ક આપીને સારવાર કરવામાં આવે છે. આ ક્લિનિકમાં અઠવાડિયાના દર બુધવારે સવારે 10થી 12 દરમિયાન બાળકોનું પરીક્ષણ, ઉપચાર અને સારવાર કરવામાં આવે છે. આ માટે ઓર્થોપેડિક સર્જન ડો. વિરલ એસ. કાલરીયા દ્વારા બાળકોનું નિદાન કરવામાં આવે છે. સાથે ડી.ઈ.આઈ.સી. વિભાગના મેનેજર સેનાજબેન તથા તેમની ટીમ દ્વારા કસરત કરાવવામાં આવે છે.
અનુષ્કા ફાઉન્ડેશન દ્વારા આ બાળકોને બુટ+બાર=બ્રેસ નિઃશુલ્ક આપવામાં આવે છે. પ્રોગ્રામ મેનેજર ભાવિન મકવાણા અને દ્વારકા જિલ્લાના પ્રોગ્રામ એજ્યુકેટીવ જયસુખ કછટિયા દ્વારા આર.બી.એસ.કે. ટીમને સાથે રાખીને બાળકોના વાલીને ક્લિનિક પર ક્લબ ફુટ વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે. આ યોજનામાં દેવભૂમિ દ્વારકાના જન્મજાત વાંકાચુકા પગવાળા બાળકોને વધુમાં વધુ લાભ લઈ, બાળકોને આ ખામીમાંથી મહદઅંશે રાહત થાય તે રીતે આ ક્લિનિકનો ઉપયોગ કરવા જિલ્લા કક્ષાએથી આર.બી.એસ.કે. ટીમ અને ડી.ઇ.આઈ.સી. વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.