છેતરપીંડી:મૃતકના નામે પોલીસી લઇ વિમા કંપની સાથે ઠગાઇનો કારસો, 3 સામે ગુનો

ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટો દાખલો, બનાવટી દસ્તાવેજ રજુ કરી 3.82 લાખ મેળવવા પ્રયાસ

ખંભાળિયા પંથકના શેઢા ભાડથર ગામે રહેતા એક શખસે વિમા કંપનીમાં મૃતકના નામે પોલીસી લઇ ખોટો મરણ દાખલો અને માહિતી સાથે બનાવટી દસ્તાવેજ રજુ કરી રૂ.3.83 લાખની ઠગાઇ મામલે વિમા કંપનીના એડવાઇઝર સહિત ત્રણ સામે ફરીયાદ નોંધાઇ છે.

રિલાયન્સ નિપોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવપદે ફરજ બજાવતા ફરિયાદી વાસુદેવભાઈ દિગંબરભાઈ પુડલીક તિકમએ વીમા કંપની સાથે ઠગાઈ કરવા સબબ આરોપી મેરામણ નથુ ઓડેદરા, અરજણ બી આંબલીયા તથા રામદે કરંગીયા વિરુદ્ધ ખંભાળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જે ફરીયાદમાં જાહેર થયા અનુસાર ખંભાળીયાના શેઢા ભાઢથર ગામે રહેતા મેરામણ ઓડેદરાએ પોતાના પિતા નથુભાઈ ગીગાભાઈ ઓડેદરા નામના આસામીની વીમા પોલિસી રિલાયન્સ નિપોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની અગાઉ વીમા પોલિસી લીધી હતી.

આ પોલિસી ઉતરાવનારના વારસદાર મેરામણ નથુ ઓડેદરાએ જેમની પાસે વીમા પોલિસી ઉતરાવેલ તે વીમા પોલિસી ઉતારનાર તથા ખરાઈ કરનાર રિલાયન્સ નિપોન લાઈફ ઇન્સ્યોરન્સ લી.ના જે તે સમયના અધિકારી આરોપી રામદે કરંગીયા તથા અરજણ બી આંબલીયા નાઓએ ગુન્હાહિત કાવતરું રચી પોતાના અંગત ફાયદા માટે રિલાયન્સ નિપોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા સોંપાયેલી જવાબદારીનો ફાયદો ઉઠાવી કંપની સાથે વિશ્વાસઘાત કરી પોલિસી ઉતરાવનાર મેરામણ નથુ ઓડેદરાએ રિલાયન્સ રૂ.3,82,300 વિમાના નાણાં મેળવવા તેના પિતા નથુભાઈ ગીગાભાઈ ઓડેદરાનો મરણનો ખોટો દાખલો રજૂ કરી ખોટી માહિતી અને દસ્તાવેજ રજૂ કરી ઠગાઈ કરવા સબબ ત્રણ સામે ગુનો નોંધાયો છે.

વાસુદેવભાઈની ફરિયાદ પરથી પોલીસે મેરામણ નથુ ઓડેદરા, અરજણ બી. આંબલીયા, રામદે કરંગીયા નામના ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી. એસ. આઈ. કે. એન. ઠાકરીયા દ્વારા હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...