અટકળો પર પૂર્ણવિરામ મુકાયો!:દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી મુળુ બેરાની પસંદગી કરાઈ

દ્વારકા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપ પક્ષના ઉમેદવાર - Divya Bhaskar
ભાજપ પક્ષના ઉમેદવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીના મતદાન સંદર્ભે મહત્વની એવી અને પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગયેલી ખંભાળિયા બેઠક માટે બે દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિક્રમભાઈ માડમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ અહીં ભાજપના સક્ષમ ઉમેદવારોની નમાવલીમાં ભારે ગડમથલ તેમજ જીતના અંકોડા મેળવવાના કારણોસર ગઈકાલે રાત્રે સુધી ઉમેદવારના નામની જાહેરાત થઈ ન હતી.

આજરોજ સવારે ભાજપના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોને જારી કરવામાં આવેલી બીજી યાદીમાં ખંભાળિયાના ઉમેદવાર તરીકે ભાણવડના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી મુળુ બેરાનું નામ વિધિવત રીતે જાહેર કરી દેવામાં આવતા તમામ અટકળો અને અનુમાનો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

ખંભાળિયાના બેઠક પર ગઈકાલ સુધી મુળુ બેરા સાથે સતવારા સમાજના અગ્રણી મેરામણ ભાટુ તેમજ સતવારા સમાજના અગ્રણી હરિ નકુમનું નામ પણ પ્રથમ હરોળમાં ચર્ચાતુ હતું. જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ છેલ્લે નિગમના ચેરમેન તરીકે ફરજ બચાવી ચૂકેલા મુળુ બેરા આહીર સમાજના અગ્રણી સાથે સક્ષમ ઉમેદવાર તરીકેનું નામ ધરાવે છે. કોંગ્રેસના વિક્રમ માડમ સામે તેમનો ચૂંટણી જંગ સર્જાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2014ની પેટા ચૂંટણીમાં મુળુ બેરા કોંગ્રેસના મેરામણ ગોરીયા સામે પરાજિત થયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને બેઠક ખંભાળિયા તથા દ્વારકા માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આમ આદમી પાર્ટીના નેતા અને "આપ"ના મુખ્યમંત્રી પદના ચહેરા એવા ખંભાળિયાના વતની ઈસુદાન ગઢવી સંભવિત રીતે ખંભાળિયા અથવા દ્વારકાથી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ પણ હજુ સુધી જાહેર થયું નથી.

અન્ય સમાચારો પણ છે...