નિયમોનો ઉલાળિયો ​​​​​​​થતો હોવા મામલે આક્રોશ:ખંભાળિયા-દેવરીયા હાઇવેમાં ધારાધોરણ અનુસરો: રેલી-આવેદન

ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિસાન કોંગ્રેસ દ્વારા ગામોના સરપંચો અને ખેડૂતોને સાથે રાખી કલેક્ટર કચેરીઅે રજૂઆત કરાઈ
  • ઇન્ડીયર રોડ કોંગ્રેસ(આઇઆરસી)એ નિયત કરેલા સલામતીના ધોરણોનો ભંગનો આક્ષેપ કરાયો

ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે કિસાન કોંગ્રેસ દ્વારા ગામના સરપંચો અને ખેડૂતોને સાથે રાખી ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવેમાં નિયમનો ઉલાળિયા થતો હોવાના આક્ષેપ સાથે આ નેશનલ હાઈવેને મોતનો કૂવો થતો અટકાવોના સૂત્રોચાર કરી 150 ખેડૂતો કલેકટર કચેરીના ગેટ પાસેથી રેલી યોજીને આવેદન પાઠવ્યુ હતુ.

જેમાં જણાવ્યાનુસાર દ્વારકા - ખંભાળિયા - દેવરિયા નેશનલ હાઈવે બની રહ્યો છે તેમાં સલામતીના તમામ નિયમોનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. ઇન્ડિયન રોડ કોંગ્રેસ(IRC) જે નૅશનલ હાઈવે માટે સલામતીના નિયમો બનાવે છે અને તેનું પાલન કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)સંપૂર્ણપણે બંધાયેલું છે.IRCએ નક્કી કરેલા ધારાધોરણો મુજબ નેશનલ હાઇવેની પહોળાઈ 45 મીટરથી 60 મીટર હોવી જોઈએ જેમાં રોડમાં વચ્ચેનો ભાગ મિડન, બંને બાજુ સાઈડ પાટલી, યુટીલિટી અને પાણી નિકાલની વ્યવસ્થાનો બહુ જ સ્પષ્ટ ઉલ્લેખ છે તથા દરેક માટે કેટલી પહોળાઈની જગ્યા રાખવી તે પણ નિયત કરેલ જ છે.

આ ઉપરાંત સલામતી સાથે ગતિ જળવાઈ રહે માટે રોડમાં આવતી ગોળાઈઓ, રોડ પર આવતા દરેક ગામમાં જવા આવવા માટે છોડવામાં આવતી જગ્યા, જ્યાં સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે બન્ને એકબીજાને મળતા હોય ત્યારની વ્યવસ્થા પણ નક્કી કરવામાં આવી છે.આ ઉપરોકત રોડમાં IRC એ નક્કી કરેલા ઉપરોક્ત તમામ ધારાધોરણોનો ભંગ થયો હોવાનો આક્ષેપ કરાયો છે.વધુમાં રોડની મૂળ ડિઝાઇન 45 મીટરની હતી તેને ડિઝાઇન મંજુર થયા પછી, કોન્ટ્રાકટરને કામ અપાઈ ગયા પછી, 30% થી વધારે કામ થઇ ગયા પછી અચાનક જ મૂળ ડિઝાઇનમાં ફેરફાર કરી 30 મીટરની ડિઝાઈનમાં રોડ બનાવવામાં આવે છે જેમાં નિયમ મુજબનું મિડન, સાઈડ પાટલી, યુટીલિટી માટેની જગ્યા કે પાણી નિકાલ માટેની જગ્યા છોડવામાં આવી નથી.

એટલું જ નહીં સામોર પાટિયા,મોવાણ-વિરમદળ પાટિયા,હંસ્થલ પાટિયા, વડત્રા પાટિયા, હંજડાપર-દાત્રાણાં પાટિયા, જુવાનપુર પાટિયા, નંદાણાના પાટિયા પાસે નિયમોનુસારની જગ્યા છોડવી જોઈએ તે છોડી નથી.બેહ પાટિયાથી જુંગીવારા ધામ સુધી નો રસ્તો 2 વર્ષથી સ્ટેટ હાઈવે જાહેર થયો છે IRCના ધારાધોરણો મુજબ પુલ બનાવવો કે સર્કલ બનાવવું તો દુરની વાત રહી ત્યાં સ્ટેટ હાઈવે પર જવા માટે ખાલી જગ્યા પણ છોડવામાં આવી નથી.

દ્વારકામાં દેશભરમાંથી દર પૂનમ, જન્માષ્ટમી-હોળી પર લાખો ભાવિકો દર્શને જાય છે ત્યારે રોડમાં નિયમોનો ભંગ થયો છે તેના કારણે યાત્રાળુઓ અકસ્માતનો ભોગ બનશે માટે નિયમોનુસારની જગ્યા છોડવામાં આવે, નિયમોનુસાર ગોળાઈઓ બનાવવામાં આવે, નિયમોનુસાર સ્ટેટ હાઈવે મળે ત્યાં પુલ કે સર્કલ બનાવવામાં આવે, નિયમોનુસાર મિડન બનાવવામાં આવે, નિયમોનુસાર સાઈડ પાટલી મુકવામાં આવે અને નિયમોનુસાર યુટીલિટીની જગ્યા તથા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.જો નિયમોનો અમલ કરવામાં નિષ્ફળ જશો તો નાછુટકે ગાંધી ચીંધ્યા માર્ગે જન આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી.આ તકે કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, અગ્રણી દેવુભાઈ ગઢવી, મુળુભાઈ કંડોરીયા, સહિત આગ્રણીઓને સરપંચો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રોડ પર જગ્યા છોડવામાં ન આવતા ગામલોકોને હાલાકી
ભાતેલ-ગોકલપર જવા માટે, બેહ, ઝાકસિયા, બેરાજા, નાના આસોટા, મોટા આસોટા, વિરપર જવા માટેના રોડ પર કોઈ જગ્યા જ છોડવામાં નથી આવી આ ગામોના લોકો મજબુરન રોંગ સાઈડમાં 2 કિલોમીટર ચાલે છે જે અકસ્માતને સીધેસીધું આમંત્રણ છે એવી જ રીતે હંજડાપર-દાત્રાણાના પાટિયાથી ઓછામાં ઓછા 15 થી 20 ગામના લોકોની અવર જવર હોવા છતાં ત્યાં પણ કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...