રાજ્ય સરકાર દ્વારા ગત સાંજે રાજ્યની કુલ 42 નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરની સામુહિક બદલીના ઓર્ડરો કર્યા છે. આ સાથે આઠ અજમાયશી ચીફ ઓફિસરના ઓર્ડરો પણ થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ છ નગરપાલિકાઓ પૈકીની પાંચ નગરપાલિકાઓમાં બદલીના આ ઘાણવામાં નવા ચીફ ઓફિસર મૂકવામાં આવ્યા છે. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે આશરે 10 માસ પૂર્વે અત્રે મુકવામાં આવેલા વર્ગ 1ના અધિકારી યશપાલસિંહ વાઘેલાની બદલી દાહોદ નગરપાલિકા ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને ભાવનગર પ્રાદેશિક કમિશનરના ભરત વ્યાસને મુકવામાં આવ્યા છે. ઘણા સમયથી ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાની ખાલી પડેલી જગ્યા પર ઓખા નગરપાલિકાના અમિતકુમાર પંડ્યાને મુકવામાં આવ્યા છે. જ્યારે રાવલ નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર તરીકે ચોરવાડ નગરપાલિકાથી પરાક્રમસિંહ મકવાણા ફરજ બજાવશે. રાજ્યની આઠ નગરપાલિકાઓમાં નવા ચીફ ઓફિસરની કરવામાં આવેલી નિમણૂંકમાં ભાણવડ નગરપાલિકામાં ભાવિન કાંધાણીની નિમણૂંક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં લાંબા સમયથી સલાયા, ભાણવડ અને જામ રાવલમાં કાયમી ચીફ ઓફિસરની જગ્યાઓ ખાલી હતી. જેમાં નવા ચીફ ઓફિસરને નિમવામાં આવ્યા હતા. જ્યારે હવે જિલ્લાની સૌથી મોટી ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરની જગ્યા ખાલી થઈ છે. આ વચ્ચે ખંભાળિયાના પૂર્વ ચીફ ઓફિસર અતુલચંદ્ર સિંહાની છોટાઉદેપુરથી ડાકોર નગરપાલિકામાં અને ભાણવડના પૂર્વ ચીફ ઓફિસર મયુર જોશીની વંથલીથી વડોદરા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.