કૌભાંડ બાદ બેંકનું આકરું વલણ:જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં કર્મચારીઓના કૌભાંડ બાદ પાંચને ડીસમીસ કરાયા, 250થી વધુ કર્મચારીઓને સામુહિક બદલીના ઓર્ડર

દ્વારકા ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક બ્રાન્ચ ધરાવતી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં તાજેતરમાં પ્રકાશમાં આવેલા કૌભાંડ બાદ બેંકના ચેરમેન દ્વારા આકરું વલણ અખત્યાર કરી કૌભાંડમાં સંડોવાયેલા પાંચ કર્મચારીઓને બરતરફ કરવાનનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જુદી જુદી શાખાના 250થી વધુ કર્મચારીઓની સામૂહિક બદલીના ઓર્ડરો પણ કરાયા છે.

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની જામજોધપુર શાખામાં વર્ષ 2017-18 દરમિયાન રૂપિયા 456.03 લાખનું ફિક્સ ડિપોઝિટ અંગેનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ સંદર્ભે ડીસ્ટ્રીક્ટ બેંકના નવા વરાયેલા ચેરમેન પી.એસ. જાડેજા દ્વારા ગેરરીતિ મુદ્દે ગંભીરતા લઈ અને નિષ્પક્ષ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

આ તપાસ પૂર્ણ થતા તેના રિપોર્ટ બાદ આ કૌભાંડમાં પાંચ કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્યું હતું. જેના અનુસંધાને કર્મચારીઓ જી.પી. ભટ્ટ, સી.એમ. જોશી, નીરજ એમ. પટેલ. બી.એસ. જાડેજા અને એચ.એમ. જાડેજા નામના પાંચ કર્મચારીઓને બેંકના ચેરમેન પી.એસ. જાડેજા દ્વારા તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ નાણાકીય ગેરરીતિમાં અન્ય કોઈ કર્મચારીઓ સામેલ હશે તો તેની સામે પણ સખત કાર્યવાહી કરવા માટે સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચ- ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી છે.

આ ઉપરાંત બેંકની અન્ય શાખામાં કોઈ કર્મચારીઓ કે સેવા સહકારી મંડળીઓના કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ગેરરીતિ આચરવામાં આવી હશે તો તેની સામે પણ આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા દ્વારા જણાવાયું છે. આટલું જ નહીં, બેંકની જુદી જુદી શાખામાં ફરજ બજાવતા અઢીસોથી વધુ કર્મચારીઓની બદલીના ઓર્ડરો પણ ગઈકાલે ચેરમેન દ્વારા કરવામાં આવ્યા છે. જેથી અરસપરસ બ્રાંચોમાં ગેરરીતિઓ અટકાવી શકાય. જિલ્લા બેંકના ચેરમેન દ્વારા પ્રથમ વખત લેવામાં આવેલા આ કડક પગલાથી ગેરરીતિ કરનારા તત્વોમાં દોડધામ સાથે ફફડાટની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...