બઘડાટી:દ્વારકાના રાંગાસરમાં ચૂંટણી પ્રચાર અંગે મનદુઃખ રાખી જીવલેણ હુમલો

ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પર વાડીએ જતી વેળા અટકાવીને છરી,પાઇપ,ઘોકા વડે તુટી પડ્યા
  • ​​​​​​​7 શખસો સામે ગેરકાયદે મંડળી રચી હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવપરા ગામે રહેતા યુવાન સહિત ત્રણ પર ગેરકાયદે મંડળી રચી છરી,પાઇપ અને ઘોકા વડે ઘાતક હુમલો કરી હત્યાના પ્રયાસ અંગે સાત શખસો સામે ગુનો નોંધાયો છે.જેમાં પાડલી ગામના સરપંચની ચુંટણીનુ મનદુ:ખ રાખી જીવલેણ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ હુમલામાં ઘવાયેલાઓને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દ્વારકા તાલુકાના દેવપરા ગામે રહેતા ડાડુભા દેવીસંગભા સુમણિયા તથા તેમના પરિવારજનો દ્વારા પાડલી ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર બાબતેનું મનદુઃખ રાખી આરોપી લાલુભા સાજાભા સુમણિયા, માલાભા સાજાભા સુમણિયા, નથુભા સાજાભા સુમણિયા, રાજેશ માલાભા સુમણિયા, કિશન માણેક તથા અન્ય બેથી ત્રણ અજાણ્યા ઈસમોએ ગેરકાયદે મંડળી રચી છરી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા પથ્થરો જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદી ડાડુભા સુમણિયા તથા સાહેદો સાથે તેના બાઇક ઉપર ખેતરે જતા હોય તે વેળાએ અટકાવ્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે.

જે બાદ ડાડુભાને ગાળો આપતા ડાડુભાએ ગાળો આપવાની ના પાડતા ઉપરોક્ત આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદી ડાડુભા તથા સાહેદ વરજાંગભા તથા સાહેદ ભરતભા ઉપર ઉપરોક્ત જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં ફરિયાદી ડાડુભા તથા સાહેદોને ફેક્ચર સહિત શરીરે નાની મોટી શારીરિક ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ફરિયાદી ડાડુભાએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ મીઠાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગેરકાયદે મંડળી રચી હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી હુમલાખોરોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...