ખંભાલીયા શહેરમાં આગામી રવિવાર તા.11-12-2022ના રોજ માનવસેવા સમિતિ સંચાલિત લલિતાબેન પ્રેમજીભાઈ બદિયાણી હોસ્પિટલ ખાતે, યુ. કે. (લેસ્ટર) નિવાસી, ભગવાન સાઈબાબાના ભક્તોના ગ્રુપના આર્થિક સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પનું સવારે 9થી 12 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં શિવાનંદ મિશન વીરનગરની આંખની હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને ટેકનીશીયનો સેવા આપશે. આ પ્રસંગે દાતા પરિવારના પ્રતિનિધિઓના સન્માન સમારંભ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે, સલાયાના વતની હાલ કીસુમુ કેન્યા સ્થિત, હોસ્પિટલના દાતા પરિવારના જયંતીભાઈ વિઠ્ઠલદાસ બદીયાણી, નૈરોબી સ્થિત ઉદ્યોગપતિ ડો. શશીભાઈ વિઠ્ઠલદાસ બદીયાણી, મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર પ્રફુલાબેન બરછા, જનરલ સર્જન ડોક્ટર ઓ. પી. સાંખલા તથા ફિઝિશિયન અને ડાયાબિટીસના નિષ્ણાત ડોક્ટર રાજેશભાઈ આર. ઠક્કર ઉપસ્થિત રહેશે. કેમ્પમાં આંખના નંબર કાઢી આપવામાં આવશે નહીં.
કેમ્પમાં દર્દીઓને તપાસી દવા સારવાર તથા ટીપા આપવામાં આવશે તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને તે જ દિવસે બસ દ્વારા વીરનગર લઈ જઈ બીજે દિવસે ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે મૂકી આપવામાં આવશે અને ત્રીજા દિવસે પરત લઈ આવવામાં આવશે.
આ કેમ્પનો વિશાળ પ્રમાણમાં લાભ લેવા ખંભાળિયા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જનતાને માનવસેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ અનુરોધ કરેલ છે. કેમ્પને સફળ બનાવવા માનવસેવા સમિતિના ટ્રેઝરર અને ટ્રસ્ટી જગદીશભાઈ ચાવડા, સેક્રેટરી મનુભાઈ પાબારી, નાથાલાલ ભાઈ બદીયાણી, વિમલભાઈ સાયાણી, સુભાષભાઈ બારોટ તેમજ મેનેજર અભિષેક સવજાણી અને રાહુલ કણજારીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.