દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની બંને બેઠકની ચૂંટણીના મતદાન બાદ ગુરુવારે દ્વારકામાં પોર ગેઈટ વિસ્તારમાં આવેલી એસ.એન.ડી.ટી. શાળા ખાતે ખંભાળિયા તથા દ્વારકાની મતગણતરી યોજવામાં આવી હતી. જે સંપૂર્ણરીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એમ.એ. પંડ્યા અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ચૂંટણીની મતગણતરી સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે અગાઉથી જ નોંધપાત્ર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ ઝોન, વન-વે, વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા, વગેરેની અંગેના ઊંડાણપૂર્વક અભ્યાસ બાદ વિવિધ પ્રકારના જાહેરનામા પ્રસિદ્ધ કરાવી તેની અમલવારી માટે પોલીસ તંત્ર દ્વારા મજબૂત બંદોબસ્ત અને ચેકિંગ કાર્યવાહી માટે પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી.
આ સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર, ખંભાળિયાના ચૂંટણી અધિકારી પાર્થ કોટડીયા અને દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, મામલતદાર જયેશ મહેતા, દક્ષાબેન રિંડાણી વગેરે દ્વારા મતગણતરી વ્યવસ્થા તેમજ રાઉન્ડ વાઇઝ પરિણામો જાહેર કરવા સાથે સમયસર માઈક મારફતે એનાઉન્સમેન્ટ કરવાની વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત પત્રકારો માટે મીડિયા રૂમ, ટીવી, ઇન્ટરનેટ સહિતની અન્ય વ્યવસ્થાઓ પણ નોંધપાત્ર બની હતી. પરિણામો જાહેર થયા પછી પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘર્ષણનો કોઈ બનાવ ન બને તેમજ તંગદિલી ન થાય તે માટે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ વગેરે દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
આમ, મતગણતરી માટે વહેલી સવારે પાંચ વાગ્યાથી રેવન્યુ, પોલીસ, એસઆરપી વગેરેનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો. જે પરિણામ જાહેર થયા બાદ ચારેક વાગ્યે મહત્વની જવાબદારીમાંથી મુક્ત થયો હતો. ચૂંટણીની જાહેરાત બાદ અંત સુધી એક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.