વિવિધ સ્પર્ધામાં સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવા લોકોનું સન્માન કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધામાં નંબર મેળવી તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમજ રાજ્ય કક્ષા સુધી ભાગ લીધો હોય એવા તમામ શિક્ષકો અને બાળકોનું આજરોજ ખંભાળિયાના બી.આર.સી. ભવન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 86 શિક્ષકો અને 80 વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ રોશન કરવા બદલ બિરદાવવામાં આવ્યા હતા.
જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયા , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એમ. નંદાણીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પ્રતાપભાઈ પિંડારિયા, બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, બી.આર.સી. કો-ઓર્ડીનેટર પી.એસ. રાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના કારોબારી સભ્ય રામભાઈ ખૂટી, રાષ્ટ્રિય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ ઘેલુભાઈ છૂછર, ભોલાભાઈ કરમૂર, જિલ્લા રાષ્ટ્રિય શૈક્ષણિક મહાસંઘના મહિલા અધ્યક્ષ સપનાબેન રૂપારેલ , વિગેરે સાથે આમંત્રિત મહેમાનો, વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન સી.આર.સી. કો-ઓર્ડીનેટરોની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જર્જરિત ખામનાથ પુલ પર ભારે વાહનોની પ્રવેશ બંધી
ખંભાળિયા શહેરમાં પોરબંદર તરફથી પ્રવેશવાના માર્ગ પર ખામનાથ મંદિર નજીક આવેલો ખામનાથ બ્રિજ કે જે આશરે 120 વર્ષ જૂનો છે. તેની ઉપયોગની આયુષ્ય પૂર્ણ થઈ જતા થોડા સમય પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાવી અને આ જર્જરિત પુલ પરથી ભારે વાહનોના પસાર થવા પર પાબંધી મુકવામાં આવી છે. આના અનુસંધાને ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ બ્રિજના બંને છેડે સી ચેનલ ગડર મુકાવી અને આઠ ફૂટથી વધુ ઊંચાઈના વાહન આ બ્રિજ પર પ્રવેશ ન કરી શકે તે માટેની કામગીરી કરવામાં આવી છે.
ડિમોલિશન અંગે આસામી દ્વારા કરવામાં આવેલી અરજી નામંજૂર...
બેટ દ્વારકા ખાતે થોડા સમય પૂર્વે સરકારી તંત્ર દ્વારા ડિમોલિશન અંગેની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા આલી ભમરા દ્વારા દ્વારકાની અદાલતમાં વચગાળાનો મનાઈ હુકમ મેળવવા અંગેની અરજી કરાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, દ્વારકા મામલતદાર, ઓખા નગરપાલિકા, જિલ્લા પોલીસ વડા, દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ ઓખાના પી.એસ.આઈ., અને પીજીવીસીએલ વિરુદ્ધ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ દાવામાં આલીભાઈએ વચગાળાનો મનાઈ હુકમ મેળવવા માટે અદાલતમાં અરજી કરી હતી. જે સંદર્ભે સરકારી વકીલ અમિત વ્યાસ, આર.એ. શેઠ તેમજ વી.એમ. પંચમતીયાની દલીલો સાંભળ્યા બાદ અદાલતે વચગાળાના મનાઈ હુકમની અરજીને નામંજૂર કરતો હુકમ કર્યો હતો. પ્રતિવાદી તરીકે તરફે સરકારી વકીલ એ.એચ. વ્યાસ, આર.એ. શેઠ અને વી.એમ. પંચમતીયા રહ્યા હતા.
સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવીના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા અને અગ્રણી રામભાઈ ગઢવી પરિવારના આર્થિક સહયોગથી વિવિધ ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુરુવારે સવારે શ્રી કામઈ માતાજી મંદિરે ધ્વજારોહણ સાથે શાસ્ત્રોકત વિધિ દ્વારા સી.આર. પાટીલના દીર્ધાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે આજૂબાજૂના ગામોના 28 જેટલા માતા-સ્વરૂપ વિધવા બહેનોને રાશનકીટનું વિતરણ તેમજ બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે માતાજી મંદિર ખાતે સમૂહ ભોજન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ નવનિયુક્ત હોદ્દેદારોનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે રામ ગઢવી પરિવાર તેમજ લખુ ચાવડા વગેરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજનમાં ભાજપના આગેવાનો - હોદ્દેદારો સાથે સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.