કેશોદ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા...
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ મારુ તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ અને અર્જુનભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના સ્મશાનની થોડી દૂર બાવળની ઝાડી હેઠળ બેસી અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા કારા મોકરીયા, ગિરધર મુછડીયા, હરિલાલ મોકરીયા અને જેઠા ગાંગા પિંગળ નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 12,600 રોકડા તથા રૂપિયા 10,000ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 22,600નો મુદ્દામાલ કબ્જે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
દ્વારકા નજીક ઈકો કાર પલટી જતા તરુણનું મૃત્યુ
દ્વારકાથી આશરે 16 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પર ગોરિંજા ગામ પાસે ચઢતા પહોરે આશરે પોણા પાંચ વાગ્યાના સમયે એક ઈકો મોટરકારના ચાલક ભાવેશ અબોટીએ પોતાની કારને બેફિકરાઈપૂર્વક ચલાવતા આ ઈકો મોટરકાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે તેમાં બેઠેલા ધનજી વિરડા નામના 15 વર્ષના તરુણને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત કારમાં સવાર અન્ય મુસાફરો ગૌરવ, રવિ, જયેશ વગેરેને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવ અંગે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે રહેતા અરુણભાઈ વિરડા (ઉ.વ. 31) એ ઈકો કારના ચાલક ભાવેશ સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ 279, 227, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાણવડમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
ભાણવડ તાલુકાના કાટકોલા ગામ ખાતે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા વરવા ગોજીયા, એભા ડાંગર, જેતસી કરમુર, કાના કરમુર, દેવશી કરમુર અને લખમણ ડાંગર નામના છ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 10,300 નો મુદ્દામાલ કબજે કરી, જુગાધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
દ્વારકામાં તલવાર સાથે ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધાયો
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે ભરત સારોલીયા નામના 20 વર્ષના દેવીપૂજક શખ્સને તલવાર સાથે નીકળતા ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.