કલા મહાકુંભની પૂર્ણાહૂતિ:ખંભાળિયામાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો કાર્યક્રમ આજે પૂર્ણ થયો; 2 દિવસમાં 23 સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું

દ્વારકા ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવતા અલગ-અલગ વય જુથમા સમાવિષ્ટ કલા પ્રવૃતિઓ અને પસંદગી પામેલા કૃતિઓની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ સફળતાપુર્વક પુર્ણ થયા બાદ 2 દિવસ સુધી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન ખંભાળિયામાં આહીર સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારે પ્રથમ દિવસે વકતૃત્વ, નિબંધ લેખન, કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, તબલા, હાર્મોનિયમ (હળવું), ઓર્ગન, સ્કુલ બેન્ડ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત અને લોકગીત/ભજન અને દ્વિતીય દિવસે એટલે કે આજે શનિવારના રોજ લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, ચિત્રકલા, એકપાત્રીય અભિનય અને સર્જનાત્મક કારીગરી સ્પર્ધા યોજાઈ.

આ કાર્યક્રમમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં કલા મહાકુંભનું નામ નવું નથી રહ્યું. સૌ કોઈ આ વિશે જાણે છે. સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બાળકો અને યુવાઓમાં રહેલી શક્તિઓને ખીલવવા માટેનું આ પ્રથમ પગલું છે. માનવીનો સ્વભાવ હોય છે કે તે કોઈપણ વસ્તુમાંથી સારા પાસા ગ્રહણ કરી શકે છે. આજે આ મંચ દ્વારા પણ બાળકો અને યુવામાં છુપાયેલી કલાને બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મંચના માધ્યમથી પોતાની અંદર છુપાયેલી કલાને બહાર લાવી તેને ધાર આપીને ખીલવવાનું કાર્ય થઈ રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આજનો સમયએ શ્રેષ્ઠતાનો સમય છે. પ્રતિભાને નિખારવા માટેનું પ્લેટફોર્મ એટલે કલા મહાકુંભ. અને 2 દિવસ દરમિયાન યોજાનારી સ્પર્ધા હેલ્ધી સ્પર્ધા બની રહે. તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પહોંચી ગામનું તેમજ જિલ્લાનું નામ રોશન કરો તેવી શુભકામના પાઠવું છું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાએ જણાવ્યું કે, તમામ લોકોમાં કોઈને કોઈ કલા રહેલી હોય જ છે. માત્ર તેને ખીલવવાની જરૂર છે. સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરી આ કલાને ખીલવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કલાએ માનસિક શાંતિ આપે છે. તેમજ જીવનમાં રહેલી નિરસતાને પણ દૂર કરવાનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...