પાકને નુકસાનની ભિતી:દેવભૂમિ દ્વારકાના ખેતરોમાં પાણી ભરાયા, ઓખા મઢી પંથકમાં પાણી ફરી વળ્યા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચેક દિવસથી અવિરત વરસાદ વચ્ચે શુક્રવાર સુધીમાં ચાલુ સિઝનનો 45.04% જેટલો વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર-દ્વારકા-ઓખા મઢી સહિત દ્વારકા પંથકમાં મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે. પંથકમાં સતત વરસાદના પાણીથી ખેતરો ભરાઈ જતા ખેડુતો હાલાકીમાં મુકાયા છે.

જ્યારે અમુક ખેતરો પાણીમાં ડૂબી જતા જાણે તળાવ હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સતત ભરાયેલા પાણીના કારણે મગફળી સહિતના પાકોને ભારે નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ વરસાદની આગાહી હોવાથી જે સ્થળે વાવેતર થયા છે તે પાકને નુકશાની જશે એવી ચિંતા ખેડૂતોમાં ઉભી થઇ રહી છે.દ્વારકા જિલ્લામાં દરિયા કાંઠે આવેલ ઓખા-મઢી ગામે ભારે વરસાદને કારણે દરિયાના રણનું પુર ખેતરોમાં આવી જવાને કારણે ખેતરોમાં ખારાસ થઈ જતા ભારે નુકસાની થવાની ભીતિ છે.

ઓખા-મઢી ગામના સ્થાનિક આગેવાન હરભમભાઈ ગઢવીએ જણાવ્યુ હતુ કે, ઓખા-મઢી વિસ્તારમાં ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના ખારા રણનું પાણીનું પુર આશરે 300થી 400 વિઘા જમીનમાં ફરી વળ્યું છે અને જમીનોની આગળ મીઠુ પકાવતી કંપનીના પારા હોવાથી પાણીનો જલ્દી નિકાલ પણ ન થતો હોવાને કારણે ખારાશવાળું પાણી વધુ સમય ખેતરોમાં ભરાતા ખારાશને કારણે ખેતરોમાં વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ખંભાળિયા સહિત ચારેય તાલુકામાં અષાઢના પ્રારંભથી ધીંગી મેઘ મહેર થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...