રૂ. 33.40 લાખના વિદેશી શરાબ પર સરકારી બુલડોઝર ફર્યું...
ખંભાળિયા શહેર તથા તાલુકામાં છેલ્લા એક વર્ષ દરમિયાન વ્યાપક પ્રમાણમાં પરપ્રાંતિય શરાબ તથા બીયરનો જથ્થો સાંપળ્યો હતો. જેનો નિકાલ આજરોજ જિલ્લાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ખંભાળિયા વિસ્તારમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ અંગેના કુલ 13 ગુનામાં રૂપિયા 32 લાખ 33 હજાર 80 રૂપિયાની કિંમતની 7918 બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા 1 લાખ 07 હજાર 800ની કિંમતના 1078 બીયરના ટીન પોલીસને હાથ લાગ્યા હતા.
આમ, છેલ્લા એક વર્ષ દરમિયાન પોલીસ દ્વારા ઝડપ પહેલા રૂપિયા 33 લાખ 40 હજાર 880ની કિંમતના પરપ્રાંતીય શરાબના જથ્થાને આજરોજ અત્રે ધરમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી નજીકની વિશાળ જગ્યામાં ગોઠવી અને મંજૂરી મેળવ્યા બાદ અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, ડી.વાય.એસ.પી., નશાબંધી અધિકારી, પી.આઈ. સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં આ જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.
ચાઈનીઝ દોરાના વેચાણ અંગે પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ...
સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા તથા આ અંગેના જાહેરનામાની અમલવારી કરવાના હેતુથી ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આ અંતર્ગત ખંભાળિયા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ અને પતંગ તથા ફિરકીનું વેચાણ કરતી દુકાનમાં ચેકિંગ કરાયું હતુ. જે અંતર્ગત અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં વાણીયાવાડીની બાજુમાં રહેતા ભગીરથસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ. 23) પાસેથી રૂ. 4 હજારની કિંમતની ચાઈનીઝ દોરીની 20 રિલ (ફિરકી) કબ્જે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી. જે વિક્રેતાઓ પાસેથી મનુષ્ય તથા પક્ષીઓ માટે પ્રાણઘાતક એવા ચાઈનીઝ દોરા કે તુક્કલ મળી આવશે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ તંત્રની એક યાદીમાં જણાવાયું છે.
વેવાઈ પક્ષના સભ્યો દ્વારા કાટકોલાના આધેડ ઉપર હુમલો...
ભાણવડ તાલુકાના કાટકોલા ગામે રહેતા ભીખાભાઈ ગોગનભાઈ ગોજીયા નામના 55 વર્ષના આહીર આધેડની પુત્રી ગીતાબેનના લગ્ન આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ભાણવડ તાબેના શિવાવાડી વિસ્તારમાં રહેતા સવાભાઈ ઘૂઘાભાઈ રાવલિયાના પુત્ર અમિત સાથે થયા હતા. ગીતાબેનને તેણીના પતિ અમિત સાથે મનદુઃખ હોવાથી છેલ્લા દોઢેક વર્ષથી તેણી પોતાના પિતા ભીખાભાઈના ઘરે રહેતી હતી.
આ દરમિયાન ગત તારીખ 5ના રોજ ભીખાભાઈના વેવાઈ સવાભાઈ રાવલિયાએ તેમને અટકાવી અને "તમે મારા ઘરની વાતો શું કામ કરો છો?"- તેમ કહેતા ફરિયાદી ભીખાભાઈએ "તમારા ઘરની વાતો ક્યાંય કરેલ નથી"- તેમ કહ્યું હતું. ત્યારબાદ બનેલા બનાવમાં સવાભાઈ સાથે તેમના બે પુત્રો અમિત અને હેમંત ઉપરાંત દુદા દેવરખી રાવલીયા નામના કુલ ચાર શખ્સોએ તેમને અટકાવી અને લાકડાના ધોકા તથા કુહાડા વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી ભીખાભાઈ તથા તેમના પત્નીને માર મારી તેમના પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવવા અંગે ભાણવડ પોલીસે પિતા-પુત્રો તથા ભત્રીજા સામે આઈ.પી.સી. કલમ 325, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરવાના વગરની બંદૂક સાથે આધેડની અટકાયત...
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામની સીમમાં રહેતા રાયદે પુંજાભાઈ પરમાર નામના 52 વર્ષના હિન્દુ ડફેર આધેડને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગરની દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
દ્વારકામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા...
દ્વારકા તાલુકાના વસઈ ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે ગતરાત્રે જુગાર દરોડો પાડી, સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતા વડે જુગાર રમી રહેલા બાબુભા ભાવસંગભા માણેક, કરમણભા પ્રાચાર્યભા માણેક, નવઘણભા જશરાજભા જામ અને ડાડુભા નાગસીભા જામ નામના ચાર શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પઠાણી ઉઘરાણી કરતા પિતા-પુત્ર સામે ફરિયાદ...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરો તથા તોતિંગ વ્યાજ વસૂલતા શખ્સો સામે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે ગઈકાલે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં એક લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન અહીંના એક સતવારા કારખાનેદાર દ્વારા વર્ષ 2008માં લીધેલી રૂપિયા 7.50 લાખની રકમ સામે રૂ. 1.15 કરોડ વ્યાજ ચૂકવ્યા પછી પણ પૈસા આપનાર પિતા-પુત્ર દ્વારા તેમને ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ ખંભાળિયામાં સતવારા વાડ, શેરી નંબર 14 ખાતે રહેતા અશોકભાઈ સવજીભાઈ કછટીયા (ઉ.વ. 59) એ અહીંના વિનાયક સોસાયટી ખાતે રહેતા હમીર જોધાભાઈ ચાવડા તથા અર્જુન હમીર ચાવડા સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ, ફરિયાદી અશોકભાઈ કછટિયાને વર્ષ 2008માં પૈસાની જરૂરિયાત હોવાથી માસિક 6 ટકાના ઊંચા વ્યાજના દરે તેમણે તારીખ પહેલી માર્ચ 2008ના રોજ રૂપિયા સાડા 7 લાખ હમીર ચાવડા પાસેથી ઉછીના લીધા હતા. જેના વ્યાજના પ્રતિમાસ રૂપિયા 45,000 આપવામાં આવતા હતા.
વર્ષ 2011માં ફરિયાદી અશોકભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી બનતા તેઓ નિયમિત વ્યાજ આપી શકતા નહોતા. જેથી આરોપી શખ્સો દ્વારા વ્યાજનું વ્યાજ વસૂલવામાં આવતું હતું. ફરિયાદી અશોકભાઈએ તેમને મળતા કામ તેમજ ઉઘરાણી વગેરે મળી અલગ અલગ સમયે કુલ રૂપિયા 1 કરોડ 15 લાખ 25 હજાર જેટલી રકમ વ્યાજ પેટે આપી હતી. આરોપી હમીર ચાવડા તથા પુત્ર દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી અશોકભાઈ તથા તેમના પ્લાન્ટમાં મેતાજી તરીકે કામ કરતા સાહેદ સંજયભાઈ મેઘનાથી પાસે આવીને અવાર-નવાર મારી નાખવાની ધમકી આપી, મોતનો ભય બતાવી અને ઉઘરાણી કરવામાં આવતી હતી.
આ વચ્ચે વર્ષ 2013ના સમયગાળામાં આરોપી શખ્સોએ ફરિયાદીના બોક્સાઈટ પ્લાન્ટમાં બળજબરીથી ભાગીદારી મેળવી લીધી હતી. આટલું જ નહીં, આરોપી શખ્સોએ અશોકભાઈના યુનિયન બેન્કના એકાઉન્ટના રકમ ભર્યા વગરના 11 કોરા ચેક તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના રૂપિયા પાંચ-પાંચ લાખની રકમ ભરેલા બે ચેક લઈ લીધા હતા. થોડા સમય પૂર્વે અશોકભાઈના પ્લાન્ટમાં રહેલો રૂપિયા સવા લાખનો ભંગાર પણ તેઓ લઈ ગયા હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, આ સમગ્ર પ્રકરણમાં આરોપી શખ્સોએ વધુ પૈસા પડાવી લેવાના ઇરાદે ચેક પોતાની પાસે રાખી અને લાયસન્સ વગર નાણાનું ધિરાણ કરી, પઠાણી ઉઘરાણી કરવા તથા ફરિયાદી અશોકભાઈ તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 386, 504, 506 (2), 114 તથા ધી મની લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.