82-વિધાનસભા બેઠકનો જંગ:દ્વારકામાં જ્ઞાતિ સમીકરણો આધારિત ચૂંટણી હોવા છતા પબુભા માણેકનું પ્રભુત્વ મત વિસ્તારમાં વધારે

દ્વારકા ખંભાળિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જીલ્લાની 82-વિધાનસભા બેઠક દ્વારકા કલ્યાણપુર મત વિસ્તારના બન્ને તાલુકા સાથે જોડાયેલી બેઠકની સાથે ઓખા, દ્વારકા, રાવલ એમ ત્રણ નગરપાલીકા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોને જોડતા વિસ્તાર ગુજરાતના છેવાડે પશ્ચિમ કિનારાની દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે. વિધાનસભા અસ્તિત્વમાં આવ્યા બાદ 1990 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું અને માત્ર એક જ વખત દ્વારકા વિસ્તારને ધારાસભ્ય પદ હરિદાસ જ્મનાદાસ કાનાણીને મળ્યું હતું.

પબુભા માણેક
પબુભા માણેક

બેઠક પર સાત વખત પબુભાએ સત્તા જાળવી
વર્ષો સુધી કલ્યાણપુર મત વિસ્તારના પ્રતિનિધિત્વને જાકારો આપીને કોંગ્રેસને હાર આપી દ્વારકા વિસ્તારના પબુભા માણેકે 1990માં આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. ત્યારબાદ આ બેઠક ઉપર સાત વખત પબુભાએ સત્તા જાળવી રાખી છે. અપક્ષ, કોંગ્રેસ અને હવે 2007થી તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે સતત ચૂંટાતા આવ્યા છે. 82 દ્વારકા વિધાનસભા 2022માં પણ પબુભા માણેક ભાજપ તરફથી ઉમેવારી નોંધાવી છે. તો કોંગ્રેસ પક્ષમાંથી મુળુ કંડોરીયા લડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીએ લખમણ નકુમને ટિકિટ આપી છે. આ ત્રણ પક્ષો વચ્ચે જ ત્રિ-પાંખિયો જંગ મુખ્યત્વે જણાઈ રહ્યો છે. ​​​​​​​

સતવારા અને આહિર જ્ઞાતિના સૌથી વધારે મતો
અહી જ્ઞાતિ સમીકરણો જોઈએ તો કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં ખાસ કરીને સતવારા અને આહિર જ્ઞાતિના સૌથી વધારે મતો છે. જ્યારે દ્વારકા તાલુકા વિસ્તાર સાથે મળીને આખી બેઠક ઉપર મુસ્લીમ, દલીત મતદારો મળીને આશરે 60 હજાર જેટલા મતદારો છે. ગત વિધાનસભા 2017માં આ બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈમાં કોંગ્રેસના મેરામણ ગોરીયા પાંચ હજારથી વધારે મતે ભાજપના પબુભા માણેક સામે પરાજીત થયા હતા.​​​​​​​

ત્રિ-પાંખિયો બનેલ જંગ ખૂબ જ રસાકસીભર્યો રહેશે
ઉલ્લેખનીય છે કે, પબુભા માણેક આ બેઠક પરથી સતત અજેય રહ્યા હોય, ભાજપની દાવેદારી મજબૂત ગણવામાં આવે છે. દ્વારકા તાલુકાની જીલ્લા પંચાયતની ત્રણેય બેઠકો ઉપર ભાજપના સદસ્યો ચૂંટાયેલા છે તથા દ્વારકા, ઓખા, રાવલ નગરપાલીકામાં પણ ભાજપનું શાસન છે. તો દ્વારકા તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન હોય ભાજપને સત્તા જાળવી રાખવાની પૂરી ઉમ્મીદ છે. પરંતુ આ વખતે ત્રિ-પાંખિયો જંગ થવાની સાથે સાથે આહિર તેમજ સતવારા જ્ઞાતિના પણ મુખ્ય પ્રતિસ્પર્ધીઓ હોય ત્રિ-પાંખિયા બનેલ જંગ ખૂબ જ રસાકસીભર્યો રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...