ઓપરેશન ડિમોલિશન:કલ્યાણપુરના નાવદ્રામાં 1.07 કરોડની અઢી લાખ ફૂટ જગ્યા પર તંત્રની ધોંસ; 113 દબાણો દૂર કરાયા

દ્વારકા ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત શનિવારથી હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના બીજા રાઉન્ડમાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ બાદ નાવદ્રા ખાતેની દબાણ હટાવ ઝુંબેશના આજે બીજા અને નાવદ્રાના અંતિમ દિવસમાં વધુ 15 દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આશરે 26,400 સ્ક્વેર ફૂટમાં 2 ધર્મસ્થળ તથા 13 રહેણાંક મકાન પર સરકારી બુલડોઝર ફર્યું હતું. આ જગ્યાની કિંમત આશરે 10.56 લાખ ગણવામાં આવી છે.

નાવદ્રા ખાતે છેલ્લા બે દિવસમાં કુલ 113 દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યા છે. કુલ 85 અને 4 ધાર્મિક દબાણની 2.52 લાખ ચોરસ ફૂટ દબાણ વાળી જગ્યાની કિંમત 1.07 કરોડ ગણવામાં આવી છે. જેમાં પોલીસે ડ્રગ્સ પ્રકરણના એક આરોપીનું આશરે સાતથી આઠ હજાર ફૂટ જેટલું રહેણાંક દબાણ તોડી પાડ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી અને રૂબરૂ દેખરેખ હેઠળ પોલીસતંત્ર તથા રેવન્યુ તંત્ર દ્વારા હર્ષદ તથા નાવદ્રાના છેલ્લા છ દિવસના દબાણમાં 12 કરોડથી વધુ બજાર કિંમત ધરાવતી સાડા તેર લાખ ચોરસ ફૂટથી વધુ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આવતીકાલે આ દબાણ હટાવ ઝુંબેશ કલ્યાણપુર તાલુકાના ભોગાત વિસ્તારમાં કરવામાં આવનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પૂર્વે ભોગાત વિસ્તારના 55 જેટલા દબાણકર્તાઓને અનઅધિકૃત દબાણ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...