મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે અને દેવોના દેવનાં દર્શન માટે લોકો પડાપડી કરતાં હોય છે. તેમાં પણ 12 જ્યોતિંલિઁગમાંનું એક જ્યોતિંલિઁગ એટલે નાગેશ્વર મંદિર. જ્યાં વર્ષના 365 દિવસ દર્શન કરવા લોકોની ભારે ભીડ ઊમટી પડે છે. ત્યારે આજે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આવેલા સુવિખ્યાત યાત્રાધામ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે ગઈકાલે બપોરે સ્થાનિક શખ્સોએ દર્શન કરવા માટે આવતા તેમના યાત્રાળુઓને મંદિરમાં વચ્ચેથી દર્શન કરાવવાની હઠ પકડી. જે બાબતે મંદિરમાં રહેલા પૂજારી તથા પરિવાર સાથે વાત કરતાં તેઓ દ્વારા ના કહી, સમજાવવા જતાં ઉશ્કેરાયેલા શખ્સોએ પૂજારી તથા તેમનાં પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો. શું છે સમગ્ર મામલો આવો જાણીએ આ અહેવાલમાં...
યાત્રાળુઓને મંદિરમાં વચ્ચેથી દર્શન કરાવવાની હઠ પકડી
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબાના નાગેશ્વર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન માટે બાવાજી પરિવારના પાંચ ભાઈઓનો પ્રતિમાસ ક્રમશઃ વારો આવે છે. જેમાં હાલ મંદિરના પૂજારી તરીકે કાર્યરત બાવાજી પરિવારના સદસ્યો ગઈકાલે સોમવારે બપોરે મંદિરમાં હતા અને અહીં દર્શનાર્થીઓની ભીડ હતી, ત્યારે બપોરના આશરે પોણા ત્રણેક વાગ્યાના સમયે કેટલાક યાત્રાળુઓ દર્શન કરવા માટે લાઈનમાં ઊભા હતા. તે દરમિયાન નાગેશ્વર વિસ્તારનો રહીશ રાયાભા કનુભા વાઘેર નામનો શખ્સ અહીં આવ્યો હતો અને આ સ્થળે રહેલા નયનભારથી ગોસ્વામીને કહેલું કે, તેમના પૂજારી પિતા હરીશભારથીને ફોન લગાવી આપ. આ ફોનમાં રાયાભા વાઘેરના જણાવાયા મુજબ મારા યાત્રાળુઓ લાઈનમાં ઊભા નહીં રહે એમને વચ્ચેથી દર્શન કરાવો. જેથી ફોન પર હરીશભારથીએ આમ કરવાની ના પાડી હતી. જેના અનુસંધાને રાયાભાએ તેમને અપશબ્દો બોલી ફોન કાપી નાખ્યો હતો.
ઉશ્કેરાયેલા શખ્સો આવી અપશબ્દો બોલવા લાગ્યા
બાદમાં અહીં આવેલા અન્ય એક આરોપી શૈલેષ કનુભા વાઘેર સહિત બંને શખ્સોએ મંદિરના પાછળના દરવાજાથી મોટરસાઇકલ લઈ અને મંદિર પરિસરમાં પ્રવેશ કરી હરીશભારથીને અપશબ્દો બોલ્યા હતા. આ શખ્સોને મંદિરની મર્યાદા જાળવી અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આ શખ્સોને આ સ્થળે રહેલા પૂજારી પરિવારના નયનભારથી, તેમના પિતા હરીશભારથી તેમજ સાહેદ પ્રકાશભારથી, વિજયભારથી, પ્રવીણભારથી,યશભારથી, ધવલભારથી, દીક્ષિતભારથી, રવિભારથી વગેરેએ સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જ્યાં આ સ્થળે ધસી આવેલા રાયાભા કનુભા અને શૈલેષભા કનુભા સાથે રાણાભા વાઘેર, લધુભા વાઘેર, રાયાભા ઉર્ફે મુન્ના વાઘેર, કમલેશભા વાઘેર, લધુભાનો ભાણેજ રાજવીર, રાધાભા વાઘેર, રામાભા વાઘેર, ભીખુભા વાઘેર, અતુલભા વાઘેર, સિદ્ધરાજભા વાઘેર, સુકાભા ઘુઘાભા વાઘેર તથા તેમની સાથે આવેલા અન્ય ચારથી પાંચ જેટલા શખ્સો લાકડાના ધોકા વડે તૂટી પડ્યા હતા.
આરોપી શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી
આરોપી શખ્સોએ પૂજારી પરિવારના હરીશભારથી ગોસ્વામીને મારી નાખવાના ઇરાદાથી હુમલો કરતા તેમને તથા તેમનાં અન્ય પરિવારજનોને નાની-મોટી ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. દર્શનાર્થીઓનો વચ્ચેથી વારો લેવા બાબતે આરોપી શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી, અનધિકૃત રીતે પ્રવેશ કરી અને પૂજારી પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ હથિયારો વડે મંદિરમાં બે ખુરશી, ત્રણ લેમ્પ તથા સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
પૂજારી પરિવાર સાથે મંદિર પરિસરમાં બઘડાટી
આ સમગ્ર બનાવવા અંગે મીઠાપુર પોલીસે મંદિરમાં સેવા-પૂજા કરતાં નયનભારથી હરીશભારથી ગોસ્વામી (ઉ.વ. 25)ની ફરિયાદ પરથી પાંચ જેટલા અજાણ્યા સહિત કુલ 19 જેટલા સામે આઈ.પી.સી. કલમ 307, સાથે કલમ 354, 452, 323, 504, 506 (2), 507, 427, 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં નવ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પૂજારી પરિવાર સાથે મંદિર પરિસરમાં બનેલા બઘડાટીના આ બનાવે સમગ્ર ઓખા મંડળમાં ભારે ચકચાર જગાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.