• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Dadani Pehedi Mohotsav At Ahir Singhan Village On Friday; Distributed Life Necessities; Gujarati Language Is Incomparably Sweet

દેવભૂમિ દ્વારકા ન્યૂઝ અપડેટ:આહિર સિંહણ ગામે શુક્રવારે ડાડાની પહેડી મહોત્સવ; જીવન જરૂરીયાતની સામગ્રીનું વિતરણ કરાયું; ગુજરાતી ભાષા અજોડ-મીઠી

દ્વારકા ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાડાની પહેડી મહોત્સવ...
ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજતા શ્રી સંધાયડા વાળા જખ્ખ બૌતેરા ડાડાની જગ્યામાં સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ તથા જખ્ખ બૌતેરા પહોળી સમિતિ દ્વારા આગામી શુક્રવાર તારીખ 10મીના રોજ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં શુક્રવારે સવારે 10 વાગ્યે નૂતન ધ્વજારોહણ, સાંજે 5:30 વાગ્યે મહા આરતી, 6:30 વાગ્યે સમૂહ પ્રસાદી તથા રાત્રે 10 વાગ્યે ભજન-સંતવાણીના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણી કાર્યક્રમમાં જાણીતા કલાકાર પરસોતમપરી બાપુ, દિલીપદાન ગઢવી શિવજીભાઈ સંઘાર, જેવા જાણીતા કલાકારો ભજન-ધૂનની રમઝટ બોલાવશે.

આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ આયોજન માટે સમિતિના ઉપેન્દ્રભાઈ સંઘાર, જેસંગભાઈ સંઘાર તથા કેશુભાઈ સંઘાર વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

જીવન જરૂરીયાતની સામગ્રીનું વિતરણ કરાયું...
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા હોળી પર્વ નિમિત્તે આ વિસ્તારના 110 જેટલા જરૂરીયાતમંદ પરિવારોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખુબ જ નજીવી આવકવાળા રઘુવંશી પરિવારોને સંસ્થા દ્વારા ખાસ પરમીટ આપવામાં આવી છે.

વર્ષ 1982થી ચાલી આવતી આ સેવામાં મુંબઈના દાતા સદગ્રસ્ત મુળજીભાઈ પાબારી પણ એક આધારસ્તંભ દાતા રહ્યા છે. આ વખતે પણ હોળી પર્વ નિમિત્તે તેમના તરફથી પરિવાર દીઠ 500 રૂપિયાના રાશનની કીટ આપવામાં આવી હતી.

દાતાના નિવાસ સ્થાને થયેલા આ વિતરણની સમગ્ર વ્યવસ્થા મહેન્દ્રભાઈ કાનાણી, અશોકભાઈ દાવડા અને નિશીલભાઈ કાનાણીએ ખુબ જ સારી રીતે સંભાળી હતી. કીટ વિતરણની આ પ્રવૃત્તિ સતત 41 વર્ષથી કાર્યરત છે. જે માટે જ્ઞાતિજનો દ્વારા નોંધપાત્ર સહયોગ સાંપળે છે.

ગુજરાતી ભાષા અજોડ અને મીઠી...
કોન્વેન્ટ સ્કૂલ, સીબીએસસી અને ઇંગ્લીશ મીડીયમ સ્કુલના લોકોમાં વધતા જતા મહત્ત્વ તેમજ વાલીઓમાં અંગ્રેજી ભાષાની મનાતી ઘેલછાથી જાણે ગુજરાતીનું મહત્ત્વ હવે ઓછું થઈ રહ્યું હોય તેમ એક વર્ગ માની રહ્યો છે. આમ, છતાં પણ ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળામાં ગુજરાતીને મહત્ત્વ સાથે ગીતાના પઠન અને અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓના જીવન ઘડતર પર ભાર મૂકવામાં આવે છે.

ખંભાળિયાના ધરમપુર ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્ટ સ્કુલના પ્રારંભમાં મેનેજમેન્ટ દ્વારા ગુજરાતી ભાષાને પ્રાધાન્ય તેમજ ગીતાના શ્લોકનું પઠન કરાવી અને સાંસ્કૃતિક વારસો જાળવવામાં આવે છે. આ સ્કૂલના મુખ્ય સંચાલક માહીભાઈ સતવારા દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓનું ભણતર ભાર વગરનું બની રહે તે બાબત પર ભાર મૂકવામાં આવે છે.

આટલું જ નહીં, આ શાળામાં ફોરેન લેંગ્વેજ તરીકે અરેબિક ભાષા (પરિચયાત્મક ધોરણે) બાળકોને શીખવવામાં આવે છે. આ ભાષાથી વિદ્યાર્થીઓને વિદેશી ભાષાના જ્ઞાન સાથે ગમ્મત પણ થાય છે.

આના અનુસંધાને શાળા સંચાલક માહિસર એ જણાવ્યું હતું કે, અમારો આશય માત્ર બાળકોને બીજી ભાષા સાથેનો પરિચય આપવાનો અને તેની સરખામણીએ આપણી ગુજરાતી ભાષા કેટલી સહેલી અને મીઠી છે તે દર્શાવવાનો છે. અમો બાળક પર કોઈ વધારાનું જ્ઞાન જબર જસ્તીથી થોપવા માંગતા નથી.

આટલું જ નહીં, વર્તમાન સમયમાં કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્ય છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ પ્રાથમિકથી જ કોમ્પ્યુટરમાં રુચિ કેળવે અને શરૂઆતથી જ કોમ્પ્યુટર બાબતે માહિતગાર થાય તેવા પ્રયાસો પણ શાળા દ્વારા કરવામાં આવ્યા છે. બાળકો દરરોજ માતા-પિતાને પગે લાગીને પૂજાનું તિલક કરીને નૈસર્ગિક વાતાવરણમાં અભ્યાસ કરવા આવે છે.

રાજ્ય સરકાર દ્વારા અનેક રજૂઆતો પછી લાંબા સમયે ગુજરાતી ભાષા શીખવવી શાળા માટે ફરજિયાત કરી છે. ત્યારે ખંભાળિયાની આ અનોખી સ્કૂલ માતૃભાષા તેમજ સંસ્કૃતિ માટે પ્રારંભથી જાગૃત અને સક્રિય છે.

અન્ય સમાચારો પણ છે...