દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા અને લંબા સમયથી ફરાર થઈ ગયેલા બે પરપ્રાંતિય શખ્સોને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ચોક્કસ બાતમી તેમજ વર્કઆઉટ દ્વારા ઝડપી લીધા હતા.
વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો
ખંભાળિયા પંથકમાં દારૂ સંદર્ભના ગુના ઉપરાંત આ જ રીતના પોરબંદર અને મોરબી જિલ્લામાં વિવિધ ગુનાઓ જેની સાથે નોંધાયા છે, તે રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના સાંચોર પંથકમાં રહેતા બાબુલાલ માનારામ તેજારામ કડવાસરા નામના 46 વર્ષનો બિષ્નોઈ શખ્સ કે જે વર્ષ 2013થી જુદા જુદા ગુનાઓમાં ફરાર હતો. આ નાસતા ફરતા આરોપી સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબી પોલીસે ટેકનીકલ લેવલે તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી વર્કઆઉટ કરી, ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના સાંચોર ખાતેથી એલસીબી ટીમે દોડી જઈને તેને ઝડપી લીધો હતો. વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો
આ ઉપરાંત અન્ય એક આરોપી એવા રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના રહીશ એવા રામકિશન ભગવાનરામ કોઝારામ ગોદરા નામના 43 વર્ષના બિષ્નોઈ શખ્સ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ મથકમાં વર્ષ 2013માં દારૂ અંગેના ત્રણ ગુનાઓ નોંધાયા હતા. જેમાં તે ફરાર થઈ ગયો હતો. જેને એલસીબી પોલીસે લાંબી શોધખોળ બાદ દબોચી લીધો હતો. જેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
સમગ્ર કાર્યવાહી કરવામાં આવી
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એસ.એસ. ચૌહાણ સાથે એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, મસરીભાઈ ભારવાડીયા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, અરજણભાઈ મારુ, જયદેવસિંહ જાડેજા, કેશુરભાઈ ભાટિયા, બલભદ્રસિંહ ગોહિલ, સુનિલભાઈ કાંબરીયા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.