ખંભાળિયામાં ઉંચા વ્યાજે નાણાં વસૂલ કરતી મહિલા સામે ગુનો
ખંભાળિયામાં રહેતા અને છૂટક વેપાર કરતા એક મહિલાની આર્થિક જરૂરિયાતનો ગેરલાભ લઈ તેણીને આશરે 20 ટકાના વ્યાજ દરથી રૂપિયા સવા લાખ જેટલી રકમ વસૂલ કર્યા બાદ પણ ફરિયાદી મહિલાનું રહેણાંક મકાન લખાવી લઈ, ઘરમાંથી કાઢી મુકવા અંગે એક મહિલા સામેની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના પઠાણ પાડો વિસ્તારમાં એક મસ્જિદની પાછળના ભાગે રહેતા અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઇ છૂટક વેચવાનો વ્યવસાય કરતા જરીનાબેન અબ્દુલ ઈબ્રાહીમ નાયક નામના 40 વર્ષના મુસ્લિમ મહિલાએ તેને માલસામાનની જરૂરિયાત હોય, અહીંના વંડીફળી વિસ્તારમાં રહેતા રેશમાબેન સાલેમામદ સુંભણીયા નામના મહિલા પાસેથી થોડા સમય પૂર્વે રૂપિયા 1.65 લાખ લીધા હતા. જેનું વ્યાજ તેઓ દર મહિને 30,000 આપતા હતા. આ પછી ફરિયાદી જરીનાબેને સમયાંતરે રેશ્માબેન પાસેથી કુલ રૂપિયા 1.76 લાખ વ્યાજે લીધા હતા.
બાદમાં જરીનાબેનનો પ્લાસ્ટિકનો ધંધો વ્યવસ્થિત ન ચાલતા તેઓ નિયમિત રીતે રેશમાબેનને વ્યાજના પૈસા આપી શકતા ન હતા. પરંતુ આશરે એક વર્ષના સમયગાળા દરમિયાન જરીનાબેને રેશમાબેનને રૂ. 1.20 લાખ જેટલી રકમ પરત આપી દીધી હતી. તેમ છતાં પણ રેશમાબેન દ્વારા વધુ રકમની માંગણી કરવામાં આવતા રીક્ષા ચાલક એવા જરીનાબેનના પતિ તેમજ ત્રણ સંતાનો સાથેનો પરિવાર ગામ છોડીને નાસી ગયો હતો. આ વચ્ચે રેશમાબેન દ્વારા ફરીયાદી જરીનાબેનના મકાનનું લખાણ એક વકીલ પાસેથી કરાવી લેવામાં આવ્યું હતું અને બાદમાં તેઓને ઘરમાં પ્રવેશવા ના દઈ અને ઘરમાં રહેલું આશરે રૂપિયા 30 હજારની કિંમતનું ડબલ ડોરનું ફ્રીજ તેઓ લઈ ગયા હતા.
આમ, તોતિંગ વ્યાજ વસૂલી અને રહેણાંક મકાન ઉપર કબજો મેળવી અને તેઓને ઘરમાંથી કાઢી મૂક્યાની તેમજ બિભત્સ ગાળો કાઢી, પરેશાન કરવા સબબ રેશમાબેન તથા તેના મળતિયાઓ સામે જરીનાબેન નાયક દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 386, 504, 506 (2) તથા ધ ગુજરાત મની લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, રેશમાબેન સુંભણીયાની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયા ચલાવી રહ્યાં છે.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 6 ના રોજ ખંભાળિયાના હમીર જોધા ચાવડા તથા અર્જુન હમીર ચાવડા નામના બે શખ્સો સાથે સામે પણ અનઅધિકૃત રીતે ઊંચું વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદ બાદ શનિવારે વધુ એક ફરિયાદ રેશ્માબેન સુંભણીયા સામે નોંધાઈ છે. ત્યારે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત હોય તેવા લોકોએ ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અહીંના પી.આઈ. દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
ખંભાળિયામાં દેશી દારૂ, પીધેલા શખ્સો સામે કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેર તથા તાલુકામાં પોલીસ તંત્ર દ્વારા દેશી દારૂના કેસ તેમજ પીધેલા શખ્સો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ખંભાળિયા-જામનગર હાઈ-વે પર દાતા ગામેથી પોલીસે નીતિન ભીમજીભાઈ મહેતા નામના 35 વર્ષના શખ્સને રૂપિયા બે લાખની કિંમતની મારુતિ સ્વીફ્ટ કારમાં અડધો લીટર દેશી દારૂ સાથે નીકળતા ઝડપી લીધો હતો. કુલ રૂપિયા 2,00,010નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દાતા ગામના ભરવાડ ફળિયુ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રસિંહ રણુભા જાડેજા નામના 38 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 15,000ની ઓટો રીક્ષા લઈને નીકળેલા સાલેમામદ હાસમ ભટ્ટી (ઉ.વ. 35, રહે. ઓલિયા પીરની દરગાહ પાસે)ની અટકાયત કરી હતી.
સલાયા ચેક પોસ્ટ પાસેથી પોલીસે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા જુનસ અબ્દુલ ભટ્ટી (ઉ.વ. 50) નામના શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના ભરાણા ગામે રહેતા આનંદબા દીપસંગભા જાડેજા નામના મહિલાના ઘરમાંથી પોલીસે રૂપિયા 80ની કિંમતનો ચાર લીટર દેશી દારૂ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.