14.27 લાખ ફૂટ સરકારી જગ્યા ખુલ્લી કરાઈ:દ્વારકા જિલ્લાના ઓપરેશન ડિમોલિશનના બીજા ભાગની પૂર્ણાહુતિ; કુલ 520 દબાણ દૂર કરાયા

દ્વારકા ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત તારીખ 11 માર્ચના રોજ શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના બીજા રાઉન્ડમાં આજે સાતમા દિવસે વધુ 66 હજાર ફૂટ સરકારી જગ્યા પરનું દબાણ દૂર કરાયા બાદ હાલ પૂરતી આ કામગીરી પૂર્ણ થઈ છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કુલ રૂપિયા 6.19 કરોડની કિંમતની 14.27 લાખ ચોરસ ફૂટ જગ્યા પર ખડકી દેવામાં આવેલા રહેણાંક, કોમર્શિયલ તથા ધાર્મિક મળી કુલ 520 દબાણો ધ્વસ્ત કરવામાં પોલીસ તંત્ર તેમજ રેવન્યુ તંત્રને સફળતા સાંપળી છે.

આજરોજ શુક્રવારે સવારથી કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે પોલીસ તંત્ર દ્વારા રેવન્યુ તંત્રને સાથે રાખીને હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં દિવસ દરમિયાન કુલ 132 દબાણ દૂર કરવામાં આવ્યા છે. જેમાં 100 રહેણાંક, 30 કોમર્શિયલ તથા બે ધાર્મિક સ્થળનો સમાવેશ થાય છે. આજે 66 હજાર ફૂટ જેટલી જગ્યા પર ખુલ્લા કરાવવામાં આવેલા આ સરકારી જમીન પરના દબાણની કુલ કિંમત રૂ. 26,43,000 થવા જાય છે.

કલ્યાણપુર તાલુકાના હર્ષદ વિસ્તારમાં ચાર દિવસ, નાવદ્રા ગામે બે દિવસ તથા ભોગાત ગામે એક દિવસ મળી કુલ સાત દિવસ ચાલેલી આ દબાણ દૂર કરવાની ઝુંબેશમાં આ સપ્તાહ દરમિયાન કુલ 520 દબાણ હટાવાયા છે. જેમાં 400 રહેણાંક, 109 ધંધાદારી એકમો તેમજ 11 ધર્મસ્થળોનો સમાવેશ થાય છે. કુલ 14.27 લાખ ચોરસ ફૂટ ખુલ્લી કરવામાં આવેલી આ સરકારી જગ્યાની અંદાજિત બજાર કિંમત રૂપિયા 6.19 કરોડ ગણવામાં આવી છે.

આમ, દરિયા કિનારાના તથા સંવેદનશીલ અને મહત્ત્વના એવા વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી હાલ પૂરતી પૂર્ણ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માયક્રો પ્લાનિંગ હેઠળ રેવન્યુ તંત્રને સાથે રાખીને કરવામાં આવેલા આ પડકારરૂપ ઓપરેશન ડિમોલિશનમાં સાત દિવસ દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ કે કાંકરી ચાળો થયો નથી, જે નોંધનીય ગણી શકાય.

આ માટે પોલીસ ટીમના અનુભવી ડી.વાય.એસ.પી. સમીર સરડા અને હાર્દિક પ્રજાપતિ સાથે એલસીબી તથા એસઓજી પોલીસની ચુનંદા ટીમ ઉપરાંત દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, કલ્યાણપુરના મામલતદાર દક્ષા રીંડાણી દ્વારા નિયમિત અને નક્કર આયોજનથી આ પડકારરૂપ ડિમોલિશનની કામગીરી સુપેરે સંપન્ન કરવામાં સફળતા સાંપળી છે.

દ્વારકા જિલ્લામાં પ્રથમ ચરણમાં બેટ દ્વારકામાં એક તથા બીજા ચરણના ડિમોલિશનમાં નાવદ્રા ખાતે એક ડ્રગ્સ પ્રકરણના આરોપીના અનધિકૃત રહેણાંક મકાનને તોડી પાડવામાં આવ્યું છે. સંભવિત રીતે ગુજરાતમાં પ્રથમ વખત આટલા લાંબા અને મેગા ઓપરેશનમાં 400 રહેણાંક સહિત 520 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પડકારરૂપ કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને સફળતા સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...