દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનઅધિકૃત દબાણ હટાવ ઝુંબેશના પાંચ દિવસ પૂર્વે શરૂ થયેલા બીજા રાઉન્ડમાં હર્ષદ મંદિર નજીકના દરિયા કાંઠા વિસ્તારમાં ચાર દિવસ બુલડોઝર ફર્યા બાદ હવે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા દરિયાઈ વિસ્તારમાંથી આજરોજ ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે.
કલ્યાણપુર પંથકના દરિયા કાંઠાના ગામોમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર દબાણ ખડકી દેવામાં આવ્યા હોવાથી તંત્ર દ્વારા આ સામે લાલ આંખ કરી અને આવા આસામીઓને ધોરણસર નોટિસ અપાયા બાદ ગત શનિવારથી આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના પ્રથમ ચરણમાં હર્ષદ (ગાંધવી) ખાતેથી રેવન્યુ તથા પોલીસ તંત્રએ સંયુક્ત રીતે ઓપરેશન કરી, રૂ. 4.86 કરોડના 11લાખ ફૂટ સરકારી જમીનો પર ખડકી દેવામાં આવેલા પોણા ત્રણસો જેટલા દબાણો ધ્વસ્ત કર્યા છે.
ગઈકાલે મંગળવાર સુધી ચાર દિવસની કામગીરી આ સ્થળે પૂર્ણ થયા બાદ આજરોજ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ તેમની ટીમે જેસીબી, હીટાચી, વગેરે જેવા વાહનો સાથે ઘસી જઈ અને અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. તેમની સાથે ડી.વાય.એસ.પી. સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ, કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રિંડાણી, તેમજ એલસીબી અને એસઓજી સહિતના પોલીસ કાફલાએ જરૂરી વ્યવસ્થા સંભાળી છે. પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક ઝુંબેશથી દબાણકર્તા તત્વોમાં ભય સાથે દોડધામ મચી જવા પામી છે.
આજરોજ સવારથી સાંજ સુધી ચાલેલા નાવદ્રા ઓપરેશન ડિમોલિશનમાં કુલ 98 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 72 રહેણાંક તેમજ 24 કોમર્શિયલ તથા 2 ધાર્મિક દબાણનો સમાવેશ થાય છે. આશરે 2.25 લાખ ચોરસ ફુટ જેટલી ખુલ્લી કરવામાં આવેલી આ સરકારી જમીનની અંદાજિત બજાર કિંમત 90.23 લાખ ગણવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.