ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા અને મૂળ ગોંડલ તાલુકાના મેસપર ગામના વતની એવા એક ગરાસીયા પરિવારના બંધ રહેલા રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, આ મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.56 લાખના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફ્તરે જાહેર થયેલી વિગત મુજબ, ખંભાળિયામાં વિનાયક સોસાયટી- 2 વિસ્તારમાં રહેતા અને મૂળ ગોંડલ તાલુકાના મેસપર ગામના વતની પથુભા ગગુભા જાડેજા ગત તારીખ 26 નવેમ્બરના રોજ તેમના વતન મેસપર (તા. ગોંડલ) ખાતે ખેતી કામ સબબ તથા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ગયા હતા. આ કામગીરી પતાવી તેઓ ગઈકાલે બુધવારે પરત ફર્યા હતા અને આવીને જોતા તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. બાદમાં તેઓએ રૂમમાં જઈને તપાસ કરતા ઘરવખરીનો તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.
ફરિયાદી પથુભા જાડેજા દ્વારા વધુ ઘરમાં વધુ તપાસ કરતાં પરિવારજનો દ્વારા રાખવામાં આવેલું રૂપિયા 1,50,000ની કિંમતનું ત્રણ તોલાનું મંગલસૂત્ર તથા રૂપિયા 6,000 રોકડ રકમ મળી કુલ રૂ. 1,56,000નો મુદ્દામાલ જોવા મળ્યો ન હતો. આમ, રૂપિયા 1.56 લાખના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવ્યું હતુ. જે સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવની ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 380, 454 તથા 457 મુજબ ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.