લોકોમાં ભારે ચિંતા:ખંભાળિયામાં આખલાયુદ્ધ રોજિંદા બન્યા, શહેરીજનો ભયભીત પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં

ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિન પ્રતિદિન બિહામણી બનતી સમસ્યા કયારે ઉકેલાશે ? લોકોમાં ભારે ચિંતા
  • જામનગર અને ખંભાળિયામાં સરખી સમસ્યા
  • ધમધમતા માર્ગો પર સર્જાતા યુદ્ધના કારણે અનેક રાહદારીઓ પણ ઝપટે ચડે છે
  • કલેકટર કચેરીમાં બોલાવાતી મિટિંગો માત્ર ઔપચારિક બની રહે છે

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં રખડતા ઢોરની શિરદર્દ સમી સમસ્યા વચ્ચે આખલા યુધ્ધની સમસ્યા એટલી હદે વકરી છે કે, દરરોજ અનેક સ્થળે માર્ગો પર જ આખલા-ખુટિયાઓ ધબધબાટી બોલાવતા હોય છે.ત્યારે આ સમસ્યા માટે જવાબદારો બેજવાબદાર બની રહ્યા છે. દિન પ્રતિદિન બિહામણી બની રહેતી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ થશે કે નહીં એ સવાલ સર્વત્ર જનમાનસમાં ચિંતાનો વિષય બન્યો છે.

પશુપાલકો દ્વારા તેમના ઢોરને અહીં તરછોડવામાં આવ્યા હોવા ઉપરાંત ઢોરની વધતી જતી સંખ્યાના કારણે પ્રત્યેક શેરી ગલી કે માર્ગો પર આખલા-ખુટિયા વાછરડા ગાયોનો ઝુંડ વિહરતા રહે છે.લગભગ રોજ અનેક સ્થળે દરરોજ આખલા યુદ્ધ થતા હોવાથી શહેરીજનો ભયભીત બની રહ્યા છે અને સર્વત્ર ડરનો માહોલ છવાઈ રહ્યો છે.

શહેરમાં હવે સ્થિતિ એટલી હદે વણશી છે કે માર્ગ પર વટે માર્ગુ કે વાહન ચાલકો પસાર થતા હોય ત્યાંજ દોડતા દોડતા આવતા ઢોર તેઓને હડસેલે છે.આવો અનુભવ લગભગ મોટાભાગના શહેરીજનોને થતા લોકો આ સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. બીજી બાજુ માત્ર ફોરમાલિટી પૂર્ણ કરવા કલેક્ટર દ્વારા સમયાંતરે ગૌ સેવકોની બેઠક બોલાવવામાં આવે છે. પરંતુ સમસ્યા સુલટાવવા કેટલા ટકા કામગીરી નિશ્ચિત થઈ એ જણાવવામાં આવતું નથી.

ખુટીયા-ઢોરના ત્રાસથી પ્રજાને છોડાવવા નાની મોટી ગૌશાળા કોઈ બનાવવાની બદલે સત્તાધીશ ભાજપ દ્વારા કરોડોના ખર્ચથી હજારો ફૂટ જગ્યામાં ભાજપ કાર્યાલય બનાવવામાં આવી રહ્યું છે. આમાં બલિહારી કોની? જાણે સત્તાધીશોએ હાથે કરી ગાંધારી નીતિ અપનાવવાનું મુનાસીબ માન્યું હોય ફક્ત ખુટિયા તથા આખલાઓને પકડી પાડવા જેવો પ્રાથમિક વિચાર થોકબંધ સત્તાધીશોને આવતો નથી. પરંતુ સત્તાધીશો દ્વારા સન્માન સમારંભો, મહોત્સવો, મેળા, રેલીઓની ઝાકઝમાળથી પ્રજાની પાયાની સમસ્યા ઢાંકી દેવા જેવી ચેષ્ટા કરવામાં આવે છે.

પૂર્વ પ્રિન્સિપાલનો રોષ
ઘણા સમયની આ બેફિકરાઇ સામે જાણીતી શાળાના પૂર્વ પ્રિંન્સિપાલ તેમજ ડીસીપ્લનના આગ્રહી જે.કે. જોષી દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો છે. પ્રજાની પીડા સમયે જવાબદાર તંત્ર દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું હોય ત્યારે સત્તાધીશોમાં ઉચ્ચ સ્થાને આ સમસ્યાનો અહેવાલ મંગાવવા માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...