ઈસુના નવા વર્ષ 2023ના પ્રથમ દિને ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે, અહીંના જલારામ બાપાના મંદિર ખાતે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 73 જેટલા યુવાનો અને યુવતીઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરપર્સન જેમીનીબેન મોટાણી, નિમિષાબેન નકુમ તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
ધાબળા વિતરણ કરવામાં આવ્યા
આ સાથે સંસ્થા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગાયો તથા પશુઓને લાડવા તેમજ ઘાસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યની વ્યવસ્થા માટે પ્રોજેક્ટ પર્સન મહેન્દ્રભાઈ જોશી તેમજ દિનેશભાઈ પોપટ સહભાગી થયા હતા. આ ઉપરાંત એક દાતા સદગૃહસ્થના સહયોગથી 30 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. આ વિતરણ વ્યવસ્થા પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઈ પાઉં તથા પરેશભાઈ મહેતા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં 30 જેટલા પરિવારોને દરિયાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ (હ. મહેશભાઈ પાઉં)ના આર્થિક સહયોગથી ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન
યુ.કે. સ્થિત ઉર્મિલાબેન મુકુન્દરાય સામાણીના આર્થિક સહયોગથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 90 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ સેવા કાર્ય માટે પ્રોજેક્ટ ચેરપર્સન અને ઝોન ચેરમેન હાડાભા જામ, મહેન્દ્રભાઈ જોશી તેમજ નિમિષાબેન નકુમે ઉપસ્થિત રહી, સમગ્ર વ્યવસ્થા જાળવી હતી.
લાભાર્થીઓએ આભારની લાગણી વ્યક્ત કરી
આ દરેક સેવા પ્રવૃત્તિના આયોજન માટે લાયન્સ ક્લબના પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વારા) તેમજ લાયન્સ ક્લબના સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણીએ અભિનંદન આપી ભવિષ્યમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા વિશે માહિતી આપી હતી. આ આયોજનથી દરેક પ્રવૃત્તિઓના લાભાર્થીઓએ સંતોષ વ્યક્ત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.