દ્વારકાની બે બેઠકના ઉમેદવાર:કલ્યાણપુર બેઠક પરથી ભાજપે પબુભા માણેકને પુનઃ મેદાને ઉતાર્યા; ખંભાળિયા બેઠક પરથી કોંગ્રેસે વિક્રમ માડમને રિપીટ કર્યા

દ્વારકા ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ માડમ - Divya Bhaskar
કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ માડમ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે 20 દિવસ તેમજ ફોર્મ ભરવાની અંતિમ મુદ્દતને હવે માત્ર ત્રણ દિવસ જેટલો સમય બાકી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ગઈકાલે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેર કરવામાં આવેલી યાદીમાં કુલ 182 પૈકી 160 ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. બે ચરણમાં યોજનારી આ ચૂંટણીના માત્ર બાવીસ ઉમેદવાર જ જાહેર કરવાના બાકી છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા-ભાણવડ વિધાનસભા બેઠકના ઉમેદવારનું નામ હજુ સુધી જાહેર થયું નથી.

પબુભા માણેક
પબુભા માણેક

પબુભા માણેકને ભાજપે પુનઃ મેદાનમાં ઉતાર્યા
હાલાર પંથકની સાત પૈકી છ બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે પૈકીની એક વિધાનસભા બેઠક 82-દ્વારકા કલ્યાણપુર માટે વધુ એક વખત પબુભા માણેકનું નામ જાહેર થયું છે. સમગ્ર પંથકમાં રાજકીય તથા સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા પબુભા માણેકને ભારતીય જનતા પાર્ટીએ પુનઃ મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે દ્વારકા જિલ્લાની બીજી વિધાનસભા બેઠક 81-ખંભાળિયા ભાણવડ બેઠક માટેનું નામ જાહેર થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દાયકાના ભાજપના વર્ચસ્વવાળી ખંભાળિયા બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ફાળે જાય છે અને આ બેઠક મહત્વની તથા પ્રતિષ્ઠાના જંગ ભરી હોવાનું મનાય છે.

ખંભાળિયાની બેઠકના ઉમેદવારના નામની જાહેરાત બાકી
આ બેઠક માટે દોઢ ડઝનથી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસના ઉમેદવાર સામે કઠિન મનાતી આ બેઠક માટે ભાજપની ઉચ્ચ નેતાગીરી દ્વારા જામનગરના સાંસદ પૂનમબેન માડમને પણ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી વ્યાપક ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. ખંભાળિયાની બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર ન કરતા અનેક અટકળો અને અનુમાનો સાથે ચર્ચાઓનો દૌર વહેતો થયો છે. સાથે સાથે સમગ્ર હાલાર પંથકની જનતામાં પણ ભાજપના ઉમેદવારના નામની જાહેરાત સંદર્ભે ભારે ઇન્તેઝારી પ્રસરી જવા પામી છે.

ખંભાળિયામાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી ખંભાળિયા બેઠક પર છેલ્લી બે ટર્મથી ચૂંટાતા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને આ વખતે પણ પાર્ટીએ રિપીટ કર્યા છે. જે અંગેની વિધિવત જાહેરાત ગઈકાલે મોડી રાત્રે થવા પામી હતી. જોકે 82-દ્વારકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હજુ સુધી જાહેર થયા નથી. ભાજપમાં ખંભાળિયાની બેઠક માટે કંઈક નવા સમીકરણ રચાતા હોવાની બાબતે થતી ચર્ચાએ પણ વ્યાપક જોર પકડ્યું છે. આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે જિલ્લાની બંને બેઠક ખંભાળિયા અને દ્વારકામાં આમ આદમી પાર્ટી દ્વારા પણ હજુ સુધી તેમના ઉમેદવારો જાહેર કરાયા નથી. તે બાબત પણ સૂચક માનવામાં આવે છે. આમ હાલ પૂરતા આમ આદમી પાર્ટીના બંને સંભવિત ઉમેદવારો તેમજ ખંભાળિયા બેઠક માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાતે જિલ્લાની જનતામાં ભારે ઉત્તેજના સાથે સસ્પેન્સ પ્રસરાવી દીધો છે.

દ્વારકા બેઠકના ઉમેદવારોના નામની અટકળો
દ્વારકા જિલ્લામાં આવેલી વિધાનસભાની બે બેઠક પૈકી કોંગ્રેસ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ખંભાળિયાના ઉમેદવાર તરીકે વિક્રમ માડમની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસની પ્રથમ બંને યાદીમાં દ્વારકા બેઠકના ઉમેદવારનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. તે સાથે દ્વારકામાં છેલ્લી સાત ટર્મથી ભાજપના પબુભા માણેક જીતતા આવ્યા છે. તેમની સામે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાલા આંબલિયા, ભીખુ વારોતરીયા અને મુળુ કંડોરીયા દ્વારા ટિકિટ માટે દાવેદારી નોંધાવવામાં આવી છે. ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે પબુભા માણેકના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસ હજુ સુધી ત્રણ પૈકીના દાવેદારોના નામમાં અટવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...