દેવભૂમિ દ્વારકા ક્રાઈમ ન્યૂઝ:કારની અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત; સવા બે વર્ષના માસુમ બાળકનું મૃત્યુ; બોલેરો પલટી જતા યુવાનનું મૃત્યુ

દ્વારકા ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા નજીક કારની અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત...
દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા હારુનભાઈ અકબરભાઈ શેખનો પુત્ર ઇમરાન ગત તારીખ 12મીના રોજ સવારે સવા આઠ વાગ્યાના સમયે દ્વારકાથી આશરે 9 કિલોમીટર દૂર ચરકલા રોડ ઉપરથી પોતાની મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો. ત્યારે આ માર્ગ પરથી ગફલતભરી રીતે આવી રહેલી મારુતિ સ્વિફ્ટ મોટરકારના ચાલક મીશાલ જાનીએ ઇમરાનને અડફેટે લેતા તેને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસે હારુનભાઈ અકબરભાઈની ફરિયાદ પરથી સ્વિફ્ટ મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

સુરજકરાડીમાંથી બે જુગારીઓ ઝડપાયા...
મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તિ નામનો જુગાર રમી રહેલા દોલુભા રાયમલભા માણેક અને રામભા ઉર્ફે રામુ લંગડી માણેક (ઉ.વ. 36)ને જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 11,620નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મીઠાપુરમાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો...
મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાંથી પોલીસે અજય સંપતભાઈ ચારોલીયા નામના 22 વર્ષના શખ્સને રાત્રિના સમયે અંધારામાં લપાતા-છૂપાતા દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી. મીઠાપુર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા હિતેશ લાખાભાઈ ચાનપા નામના 39 વર્ષના શખ્સને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.

બે વર્ષના માસુમ બાળકનું કરુણ મૃત્યુ...
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા એક સતવારા યુવાન તેમના બે પુત્રો સાથે માર્ગની એક તરફ ઊભા હતા. ત્યારે પૂરપાટ વેગે આવી રહેલા એક ટ્રકના ચાલકે તેઓને અડફેટે લેતા આ અકસ્માતમાં સવા બે વર્ષના માસુમ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ કરુણ બનાવની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રામ મંદિર પાસે રહેતા છગનભાઈ નારણભાઈ હડિયલ નામના 33 વર્ષના સતવારા યુવાન જુવાનપુર ગામના ડિવાઇડર પાસેના રોડ નજીક ઉભા હતા. ત્યારે બપોરના આશરે પોણા અગિયારેક વાગ્યાના સમયગાળામાં આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક ટ્રકના ચાલકે મોટરસાયકલ સાથે છગનભાઈ તેમજ તેમના પુત્રોને અડફેટે લીધા હતા. આ ટક્કરમાં રસ્તા પર પટકાઈ પડેલા સવા બે વર્ષના માસુમ પુત્ર ધ્રુવ પર તોતિંગ ટ્રકના વ્હીલ ફરી જતા તેને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન માસુમ બાળક ધ્રુવ એ અંતિમ શ્વાસ લીધા હતા.

અકસ્માત સર્જી આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે છગનભાઈ હડીયલની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279 તથા એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે. અકસ્માતના આ બનાવે માસુમ બાળકના પરિવારજનોમાં ઘેરા આક્રંદની લાગણી પ્રસરાવી છે.

બોલેરો પલટી જતા યુવાનનું મૃત્યુ...
દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા એક આસામીની વાડીએથી નાળિયેર ભરીને જામનગર તરફ જઈ રહેલા બોલેરો પીકઅપ વાહન કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર ચરકલા રોડ પર આવેલી એક હોટલ પાસેથી પહોંચતા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી આ બોલેરોના ચાલક જીતુભાઈ કંબોય (રહે. જામનગર) એ આ માર્ગ પર બોલરો આડે કૂતરું ઉતરતા ચાલક જીતુભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ વાહન રોડની એક તરફ પલટી ખાઈ ગયું હતું.

આ અકસ્માતમાં બોલેરોના ઠાઠાના ભાગે નાળિયેરના જથ્થા પર બેઠેલા રોહનભાઈ જયંતીભાઈ કંબોય નામના યુવાનનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે નાળિયેરી પર બેઠેલા પ્રકાશભાઈ જાવાભાઈ વાળા તેમજ અજયભાઈ ભગાભાઈ વાળા નામના યુવાનોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

આ સમગ્ર બનાવ અંગે પ્રકાશભાઈ વાળા (ઉ.વ. 21, રહે. નાવદ્રા, તા. કલ્યાણપુર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે જામનગરના જીતુભાઈ કંબોય સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337, 338 તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથધરી છે.

ચોરીના આરોપીને દબોચી લેતી એલસીબી...
ખંભાળિયા નજીકના હાઈવે પર વિજય સ્કૂલ પાછળના વિસ્તારમાં રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં તાજેતરમાં રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ જાહેર થયો હતો. આ પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગરના પાણખાણ વિસ્તારમાં રહેતા અને હાલ બેડી ગામના રહીશ નવાઝ ઉર્ફે મેલી ઉમર જસરાયા નામના 23 વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સની અટકાયત કરી હતી. તેની પાસેથી મોબાઇલ તેમજ રોકડ સહિત કુલ રૂપિયા 11,500નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે તેને ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...