કલ્યાણપુરના રણજીતપર ગામમાં પિતા-પુત્રી સોમવારે રાત્રે મોટરસાયકલમાં પટેલકા ગામ તરફ જતાં હતા ત્યારે સતાપર નજીક રોડ ક્રોસ કરતી વેળાએ ભોગાત ગામ તરફથી ધસી આવેલી એક મોટરે જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રીના ઘટના સ્થળે મોત નિપજયા હતાં. બનાવ અંગે મૃતકના ભાઈએ પોલીસમાં મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નવાગામ રણજીતપર ગામમાં વસવાટ કરતા ઘેલુભાઈ જેઠાભાઈ કરંગીયા તેમની પુત્રી રાધિકાને લઇને સોમવારે રાત્રે જીજે-37-ડી-2854 નંબરના મોટરસાયકલમાં લાંબા ગામથી પટેલકા ગામ તરફ જવા માટે નીકળ્યા હતા. રાત્રે બેએક વાગ્યે તેઓનું બાઈક દ્વારકાથી પોરબંદર વચ્ચેના હાઈ-વે પર સતાપર ગામ નજીક પહોંચ્યું ત્યારે અચાનક જીજે-37-બી-9590 નંબરની મોટર ભોગાત ગામ તરફથી ધસી આવી હતી.
આ મોટરના ચાલકે બાઈકને જબરદસ્ત ટક્કર મારતા પિતા-પુત્રી ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઈજા પામેલા ઘેલુભાઈ તથા પાછળ બેસેલી પુત્રી રાધિકાબેનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તે પહેલા બંનેના મૃત્યુ નિપજ્યા હતા.
મૃતક ઘેલુભાઈના ભાઈ સવદાસ જેઠાભાઈ કરંગીયાએ મોટરના ચાલક સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવથી કલ્યાણપુર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.