કલ્યાણપુર તાલુકામાં રહેતા એક આહીર પરિવારના પિતા-પુત્રી ગઈકાલે મંગળવારે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે પુરપાટ આવી રહેલી આઈ-ટ્વેન્ટી મોટરકારના ચાલકે આ મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા આ મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્રીના કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગંભીર ઇજાઓ થતા બંનેના કરુણ મૃત્યુ
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં રહેતા ઘેલુ જેઠા કરંગીયા નામના એક આહીર યુવાન તેમની પુત્રી રાધિકા સાથે તેમના બાઈક પર બેસીને લાંબા ગામેથી પટેલકા ગામે જઈ રહ્યા હતા. આ સમયે પોરબંદર-દ્વારકા હાઈવે રોડ પર સતાપર ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતી વખતે ભોગાત ગામ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 37 બી. 9590 નંબરની આઈ-20 મોટરકારના ચાલકે ઘેલુના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં ફંગોળાઈ ગયેલા ઘેલુ તથા તેમના પુત્રી રાધિકાને ગંભીર ઇજાઓ થતા બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી
આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ સવદાસ જેઠા કરંગીયા (રહે. નવાગામ, રણજીતપર - તા. કલ્યાણપુર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસ આઈ-ટ્વેન્ટી મોટરકારના ચાલક સામે IPC કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી રાવલ આઉટ પોસ્ટના PSI વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે. અકસ્માતના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.