ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં દર્શન કરવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન હોવાના લીધે જેટી પર બોટ લંગારી શકવાની શક્યતા ન હોવાના હિસાબે આ ફેરીબોટનું સંચાલન કરતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સેવા બંધ કરવામાં આવી છે.
આજે પૂનમ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો. કારણ કે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા પૂનમ ભરવા આવતા હોય છે, ત્યારે આ ભક્તો બેટ દ્વારકા દર્શન કરવા પણ અચૂક જતા હોય છે. એકંદરે રોજબરોજ હજારોની સંખ્યામાં બહારગામથી યાત્રીકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આવા યાત્રિકો બેટ દ્વારકા દર્શન કરવા પણ જતા હોય છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ભારે પવનના હિસાબે દરિયાના મોજામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ભારે મોજાના લીધે ફેરીબોટ સામાન્ય સ્થિતિ કરતા પાણીમાં વધારે હલતી હોય છે. ત્યારે બહારગામથી આવતા યાત્રિકો આવી પાણીમાં ડગમગતી બોટમાં ચડી શકવામાં સક્ષમ નથી હોતા અને અકસ્માત થવાનો ભય રહ્યો રહે છે.
ત્યારે તેમની સુખાકારી માટે આ ફેરીબોટનું સંચાલન કરતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ફેરીબોટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પવન સામાન્ય થતા ફરી વખત આ ફેરીબોટ સેવા પૂર્વવત કરી દેવામાં આવશે. ફેરીબોટ સેવા બંધ હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો જેટી ઉપર હોવાથી, ભીડ એકઠી થતાં ટ્રાફિકને નિયંત્રણમાં કરવા ઓખા મરીન પોલીસના પીઆઇ દેવ વાંઝા દ્વારા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.