બબાલથી ભારે ચકચાર...
ખંભાળિયા નજીકના જામનગર માર્ગ પર આવેલા ટોલ નાકે ગઈકાલે સાંજે વધુ એક વખત બધડાટી બોલી જવા પામી હતી. જોકે આ અંગે આજે સવાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી આશરે સાત કિલોમીટર દૂર જામનગર હાઈ-વે પર આવેલા ટોલ ગેઈટ પાસે ગઈકાલે રવિવારે સાંજે એક બોલેરો ચાલક તથા તેમાં સવાર મુસાફરો અને સામા પક્ષે ટોલ ગેઈટ સંચાલક સ્ટાફ વચ્ચે કોઈ બાબતે બોલાચારી થઈ હતી. જેણે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બબાલમાં સામસામે પક્ષે મારામારી અને હાથાપાઈ પણ થઈ હતી. જેમાં કેટલાક વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ બનાવ બનતા આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જોકે આ અંગે આજે સવાર સુધી ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. ત્યારે ટોલનાકા પર થયેલી આ વધુ એક બબાલે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.
એરગન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો...
ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા એક પરિવારની પરિણીત પુત્રીને પરેશાન કરતા તેણીના પતિ દ્વારા રિસામણે બેઠેલી આ પરિણીતાના ઘરે આવી અને સાસરિયાઓને મારી નાખવાની ધમકી આપીને નાસી જતા પોલીસે આ શખ્સને મોડી રાત્રીના સમયે હાઈ-વે પરથી એરગન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ સમગ્ર બનાવની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા રાણાભાઈ નગાભાઈ ભાચકન નામના 65 વર્ષના ગઢવી વૃદ્ધની પુત્રી ધનીબેનના લગ્ન આજથી આશરે નવ વર્ષ પૂર્વે ગામ ગાગવા ગામે રહેતા તેમના બનેવી ભીખાભાઈ ભારાભાઈ શાખરાના પુત્ર પુંજા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેઓને હાલ સાત વર્ષનો પુત્ર છે.
ધનીબેનને તેણીના લગ્નજીવન દરમિયાન છેલ્લા એકાદ વર્ષથી તેણીના પતિ પુંજા દ્વારા અવારનવાર મારવામાં આવતા ધાનીબેન તેણીના પુત્રને સાથે લઈને છેલ્લા આશરે છએક માસથી માવતર રહેવા ચાલી આવી હતી. આ દરમિયાન ગઈકાલે રવિવારે સાંજના સમયે ઇનોવા મોટરકારમાં ધસી આવેલા પુંજા ભીખા શાખરાએ મોટા માંઢા ગામે રહેતા તેના સસરાના ઘરે આવી અને આ કાર તેમના ફળિયામાં એક ઝાડ સાથે અથડાવી તેમાં નુકસાન પહોંચાડી હતી.
ત્યાર બાદ આરોપી પુંજાએ કારમાંથી ઉતરીને "તમે મારી પત્નીને શું કામ મારા ઘરે મૂકતા નથી?" તેમ કહી તેના કમરના ભાગે રહેલા પિસ્તોલ જેવા હથિયાર રાખવાના કવર દેખાડી અને "તમને આ રીતે પતાવી દઈશ તો આટલી વાર લાગશે"- તેમ કહી, બિભત્સ ગાળો કાઢી હતી.
આ શખ્સની મોટરકારમાં એક જાંબુડી કલરનું બંદૂક જેવું હથિયાર હોવાનું પણ વધુમાં ખુલવા પામ્યું છે. રાત્રિના દસેક વાગ્યે આરોપી પુંજા સાખરાએ પોતાના સસરાને "તમને તથા તમારા પરિવારને જાનથી મારી નાખીશ"- તેમ કહી, મોટરકાર રિવર્સમાં લઈ અને તેમના પર ચડાવવાનો પ્રયાસ કરતા તેઓ જીવ બચાવી અને એક બાજુ ચાલ્યા ગયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
બબાલ સર્જીને નાસી ગયેલા આ શખ્સ સામે ખંભાળિયા પોલીસે તેના સસરા રાણાભાઈ નગાભાઈ ભાચકનની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 308, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
આ બનાવ દરમિયાન ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર સહિતના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા-જામનગર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ઇનોવા મોટરકારમાં નીકળેલા પુંજા ખીમા સાખરાની કારને અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી એક નાની તથા એક મોટી એરગન મળી આવી હતી. આ ઉપરાંત કારમાં રહેલા એક લેડીઝ પર્સમાંથી રૂપિયા 89,000ની રોકડ રકમ તેમજ ચેકબુક અને પાસબુક પણ મળી આવ્યા હતા.
આથી પોલીસે રૂપિયા ત્રણ લાખની મોટરકાર, એક નાની તથા એક મોટી એરગન તથા રૂપિયા 5,000ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3.95 લાખનો મુદ્દામાલ કબજે કરી, જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ખંભાળિયાની સેશન્સ કોર્ટનો ચુકાદો...
ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા રાણાભાઈ ભીખાભાઈ સાદીયા નામના યુવાન ગત તારીખ 20/02/2021ના રોજ ગુમ થયાની જાણ તેણીના પત્ની જશુબેને ભાણવડ પોલીસને કરી હતી. આ પ્રકરણ અંગે ભાણવડ પોલીસની તપાસમાં આ જ ગામના મગનભાઈ ઉર્ફે મહેશભાઈ મનસુખભાઈ સાદીયાએ મૃતક રાણાભાઈ ભીમાભાઈ સાદીયાનું પોતાના માતા તેમજ ભાભીના દાગીના ભાણવડની એક ગોલ્ડ કંપનીમાં ગીરવે મૂકીને પૈસા ઉપાડ્યા હતા.
તે દાગીના છોડાવવા માટે મૃતક રાણાભાઈ કાયમી રીતે પોતાના ગળામાં સોનાનો ચેન પહેરતા તે લૂંટી લેવાના ઇરાદાથી રાણાભાઈને પોતાના ઘરે લઈ જઈ અને પિત્તળના કળસીયા વડે માથાના ભાગે માર મારી, ગળે ટૂંપો આપીને તેમનું મોત નિપજાવ્યું હતું. સોનાની ચેન લૂંટી લીધા બાદ મૃતક રાણાભાઈની લાશને આંબરડી ગામે અવાવરું કુવામાં ફેંકી દઈને હત્યા નીપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપલ સેશન્સ અદાલતમાં ચાલી જતા આરોપી મગનભાઈ ઉર્ફે મહેશભાઈ મનસુખભાઈ સાદીયાને અદાલતે તકસીરવાન ઠેરવીને હત્યાની કલમ 302ના ગુનામાં આજીવન કેદ તથા રૂપિયા 10,000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદ તેમજ કલમ 394ના ગુનામાં 10 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ તેમજ આઇપીસી કલમ 201ના ગુનામાં સાત વર્ષની સાદી કેદ અને રૂ. 5 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે અહીંના જાણીતા સરકારી વકીલ કમલેશભાઈ સી. દવે રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.