ખંભાળિયામાં AAPની જાહેર સભા:અરવિંદ કેજરીવાલે ભારે ભીડ વચ્ચે ભાજપને આડે હાથ લીધી; ઇસુદાન ગઢવીને જંગી બહુમતીથી જીતાડવા અપીલ

દ્વારકા ખંભાળિયા15 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને ઊતરી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે AAPના સી.એમ.પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ આજે ખંભાળિયા ખાતે જાહેર સભા સંબોધી હતી. દ્વારકા જિલ્લાની બંને બેઠકો પર હાલ સ્ટાર પ્રચારક નેતાઓ પક્કડ જમાવવા કોશિશ કરી રહ્યા છે. ત્યારે ઈશુદાન ગઢવીનાં પ્રચારમાં ખભાળિયામાં આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સભા સંબોધી ભાજપ પર પ્રહારો કરી વચનોની લહાણી કરી હતી. આ સભામાં મોટી માનવ મેદની ઉમટી પડી હતી.

ખંભાળિયામાં AAPની જાહેર સભા
દ્વારકા જિલ્લાની ખંભાળિયા 82 બેઠક પર અમિત શાહનાં આવ્યા બાદ આજે આપ પાર્ટીનાં અરવિંદ કેજરીવાલ ખંભાળિયાનાં કુવાડિયાનાં પાટિયા પાસે ગ્રામ્ય મતદારોને આકર્ષવા સભા સંબોધી હતી. જેમાં બપોરે બે વાગ્યે અરવિંદ કેજરીવાલ આવ્યા બાદ દ્વારકા અને ખંભાળિયાનાં આપનાં ઉમેદવારોએ તેમનું સ્વાગત કરી સાત જેટલા આગેવાનોને પક્ષમાં આવકાર્યા હતા. ત્યારે સ્ટેજ પર ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, રુઘા આંબલીયા સહિતના આપ નેતાઓ હાજર રહ્યા હતા. આ તકે ઈશુદાનએ ઉપસ્થિત ગ્રામ્ય લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આવતી દિવાળી આપ પાર્ટીની હશે.

ગુજરાતીમાં કેમ છો બોલી સભાની શરૂઆત
ખંભાળિયામાં એમ્સ જેવી હોસ્પિટલ લઈ આવવાનું વચન સહિતના વિવિધ વચનો આપ્યા હતા. કેજરીવાલે સતવારા સમાજના અગ્રણીઓને ખેશ પહેરાવ્યો હતો. કેજરીવાલ સભા સંબોધતા પહેલા ગુજરાતીમાં કેમ છો બોલ્યા હતાં. વધુમાં સ્ટેજ પરથી તેઓએ કહ્યું હતું કે, કાલે અમિત શાહનાં કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી હતી અને હવે અસલી સર્વે આઠ ડિસેમ્બરનાં આવશે. કારણ કે ગુજરાતમાં આપની આંધી ચાલી રહી છે, ગુજરાતને હવે પરિવર્તન જોઈએ છે. પહેલા કોંગ્રેસ અને ભાજપ ભળેલા હતા. લગ્ન પહેલા સગાઈ જેમ બંને પક્ષ મળતા હતા, હવે તેઓની પોલ ખુલી ગઈ છે. જનતા પાસે વિકલ્પ ન હતો, પણ હવે આપ પાર્ટી છે અને આઠ તારીખ પછી તમારો પરિવાર મારો પરિવાર હશે.

ભાજપ પર આપ નેતાના પ્રહારો
વધુમાં જણાવ્યું હતું કે, કેજરીવાલની ગેરેંટી કદી તૂટતી નથી "પ્રાણ જાયે પણ વચન ન જાયે". એક માર્ચ પછી ગુજરાતમાં વીજળી બિલ શુંન્ય આવશે. હાલ ભાજપ નેતાઓને 4000 યુનિટ વીજળી મફત મળે છે, તો જનતાને વીજળી ફ્રી મળે તો વાંધો શું? દર મહિને મહિલાઓને 1000 મળશે. બીજેપી કહે છે કે સરકાર ઘાટે મે જાયેગી, આપ હજારો ખા ગયે તો સરકાર ઘાટે મેં નહીં જાતી? તેવું બોલી ભાજપ પર પ્રહારો કર્યા હતા.

ભાજપ વાળા કામ બતાવાને બદલે મને ગાળો આપે છેઃ કેજરીવાલ
આ સાથે બેરોજગારી અને સરકારી ભરતી અંગે જણાવ્યું હતું કે, હવે કોઈ પણ પરીક્ષાનું પેપર ફૂટશે નહીં. અહી મંત્રીઓ પેપર વેંચે છે અને પેપરકાંડમાં હજુ કોઈ જેલમાં ગયું નથી. અમો પેપર ફોડવા વાળાને જેલ મોકલશું અને દરેક બેરોજગારોને ભથું આપીશું. હું શિક્ષિત છું, ગંદી રાજનીતિ નથી આવડતી. ભાજપ વાળા કામ બતાવાને બદલે મને ગાળો આપે છે. તેમને 27 વર્ષમાં માત્ર કેજરીવાલને ગાળો જ આપી છે, હવે ડબલ એન્જિન ગયું, હવે નવું એન્જિન આવશે. આપની સરકાર બની રહી છે, ઝાડુનું બટન દબાવી કિશાનના દિકરા ઈશુદાનને જીતાડવાનું કહી કેજરીવાલે સ્પીચ પૂરી કરી હતી.

ખેડૂતોને વીજળી અને ભાવ આપવાની જવાબદારી મારીઃ ઈસુદાન
આપના સીએમપદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પત્રકારો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વીજળી, પાણી અને ભાવ આપવાની જવાબદારી મારી છે. સરકાર બનવાની સાથે જ મારે વીજળી ફ્રી આપવી છે, એટલે મોંઘવારીથી લોકોને રાહત થાય. સાથે સરકાર બનવાની સાથે ડેમ, રોડ અને રસ્તાની કામગીરી બાકી છે એ પૂરી કરવી છે. બેરોજગાર યુવાનો માટે સારી રીતે પરીક્ષા લેવી છે, કોન્ટ્રેક્ટ પર કામ કરતા લોકોને કાયમી કરવા છે, સાથે આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ બંધ કરવું છે. અનાથ અને વિધવા ઓની સહાય ડબલ કરવી છે. મારે કરપ્સન ફ્રી ગુજરાત કરવું છે. વધુમાં જણાવ્યું કે, અમે વ્હોટ્સએપ નંબર જાહેર કરીશું અને જો કોઈપણ વ્યક્તિ, અધિકારી, કર્મચારી એકપણ રૂપિયાની લાંચ માગે તો ખાતરી આપું છું, કે બીજા દિવસનો સૂરજ નહીં ઊગે અને એ જેલમાં હશે.

અન્ય સમાચારો પણ છે...