દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાખોરી સતત વધી રહી છે. મીઠાપુર ખાતેના ચમત્કારી હનુમાનજી મંદિરમાં બે તસ્કરોએ લૂંટ ચલાવી, તો કલ્યાણપુર ખાતે ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ યુવાનને માર માર્યો. ઉપરાંત પોલીસે ચાઈનીઝ દોરીનો ઉપયોગ તથા વેચનારા સામે પોલીસે લાલ આંખ કરી છે. બેટ દ્વારકા વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત દોરી સાથે યુવકની ધરપકડ કરી છે. જ્યારે કેફી પીણું પીધેલા શખ્સોને પણ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.
પૂજારીને મારમારી મંદિરમાંથી લૂંટ ચલાવી
મળતી માહિતી મુજબ મુજબ મીઠાપુર નજીક આવેલા ચમત્કારી હનુમાનજીના મંદિરમાં તસ્કરો ત્રાટ્કયા હતા. તસ્કરોએ દાન પેટીના નકુચાના તાળા તોડી તેમાંથી આશરે 3 હજાર રૂપિયા જેટલી રકમ નાસી છૂટ્યા હતા. આટલું જ નહીં બંને અજાણ્યા શખ્સોએ પૂજારીને ઢિકા પાટુનો માર માર્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ચોરી કરવા આવેલા બે શખ્સોને હિંમતભાઈ પૂજારી જોઈને ઓળખી જશે તેવું વધુમાં જાહેર થયું છે. પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
કલ્યાણપુરના યુવાનને માર મારતા બે શખ્સો સામે ગુનો
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રમેશચંદ્ર ઉર્ફે બબલીશેઠ વ્રજલાલ સચદેવ નામના વેપારી પાસેથી જામનગરના નિલેશ અરવિંદભાઈ પોપટ બિલની ઉઘરાણી માટે આવ્યા હતા. જોકે ફરિયાદી રમેશચંદ્ર પાસે હાલ રૂપિયાની સગવડ ન થતા તેમણે મુદત માગી હતી. જેથી નિલેશ પોપટ તથા તેમની સાથે આવેલા અજાણ્યા શખ્શે ઉશ્કેરાઈ ફરિયાદી રમેશચંદ્રને માર માર્યો હતો. આ બનાવમાં ફરિયાદીની પાંસળીના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઓખામાં ચાઈનીઝ માંજા સાથે શખ્સ ઝડપાયો
ઓખાના બેટ દ્વારકા વિસ્તારમાંથી પોલીસે અદ્રેમાન આમદ સુમરા નામના 42 વર્ષના શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે ઝડપી લઈ તેની સામે જાહેરનામા ભંગની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસેથી પોલીસે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા વિજય ધીરુભાઈ ગામી નામના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ વગર વાહન ચલાવતા ઝડપી લીધો હતો. જ્યારે ખંભાળિયામાં નવાનાકા વિસ્તારમાં રહેતા ભાવેશ બળવંતગીરી ગોસ્વામી નામના 41 વર્ષના શખ્સને નગર ગેટ વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં લાઈસન્સ વગર બાઈક ચલાવતા ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.