ખંભાળિયામાં ખાસ અભિયાન:ચાઈનીઝ દોરીના ઉપયોગ સામે જાગૃતિ કેળવવા એનિમલ કેર અને પોલીસ તંત્ર દ્વારા શપથ સહિતના જાહેર કાર્યક્રમો યોજાયા...

દ્વારકા ખંભાળિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી શનિવારે મકરસંક્રાંતિનો ઉલ્લાસભર્યો તહેવાર છે. ત્યારે આ પર્વ દરમિયાન પતંગ ઉત્સવમાં અનેક લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે. જે અબોલ પક્ષીઓ માટે જ નહીં, પરંતુ માનવ જીવન માટે પણ પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. જેના અનુસંધાને સર્વત્ર ચાલી રહેલા અભિયાનમાં આવી વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવે છે.

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં પણ ચાઈનીઝ દોરી-તુક્કલનો ઉપયોગ ન કરવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને આજરોજ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના યુવા કાર્યકરો દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અહીંના જોધપુર ગેઈટ ચોક, નગર ગેઈટ વિગેરે સ્થળોએ કાર્યકરો તથા પોલીસ અધિકારી અને સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમમાં લોકો ચાઈનીઝ દોરી, તુક્કલ, પ્લાસ્ટિકની દોરી, વગેરે જેવી પ્રાણઘાતક અને પ્રતિબંધિત ચીજ-વસ્તુઓનો ઉપયોગ ટાળે તે માટેની અપીલ કરી હતી.

આટલું જ નહીં, વિવિધ વેપારી એસોસિએશન તથા સંસ્થાના આગેવાનો-કાર્યકરોને જાહેરમાં શપથ લેવડાવી, આવી ચીજ વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા તથા બીજાઓને પણ આ આવી ચીજ વસ્તુઓ ન વાપરવા અંગે જાગૃતિ અપાવવાની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના દેશુરભાઈ ધમા, અશોકભાઈ સાથે પી.આઈ. ડી.એમ. ઝાલા તથા સ્ટાફ ઉપરાંત જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, વેપારી મંડળના કિશોરભાઈ દતાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, જયસુખભાઈ મોદી, દિલીપભાઈ ગઢવી, વિગરે જોડાયા હતા અને સંક્રાતના પર્વ દરમિયાન પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઉપયોગ ટાળવા તથા ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સહાયતા માટે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર 9687459444 ઉપર સંપર્ક સાધવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...