• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • All Credit Goes To The Dwarka Team For This Successful Operation; Commendable Performance Of Police System And Revenue System

દબાણ હટાવ ઝુંબેશની સફળ કામગીરી:આ સફળ કામગીરીનો તમામ જશ દ્વારકા ટીમને ફળ્યો; પોલીસ તંત્ર તથા રેવન્યુ તંત્રની પ્રસંશારૂપ કામગીરી

દ્વારકા ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના પશ્ચિમના છેવાડાના વિસ્તાર એવા દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે આજથી, આશરે 6 માસ પૂર્વે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનના બ્રેક બાદ, ગત તારીખ 11 માર્ચથી કલ્યાણપુર તાલુકાના દરિયાઈ પટ્ટીના ગામોમાં, મોટા પાયે થયેલા અનઅધિકૃત દબાણ હટાવવા માટે પોલીસ તંત્ર તથા રેવન્યુ તંત્રે કમર કસી હતી.

કલ્યાણપુર તાલુકાના હર્ષદ, નાવદ્રા તથા ભોગાત ગામોમાં આવેલા દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર દબાણ અંગે, રેવન્યુ તંત્રની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ બાદ, ગેરકાયદેસર દબાણકર્તાઓને ફટકારવામાં આવેલી નોટિસ પછી, માઇક્રો પ્લાનિંગ સાથે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

દબાણકર્તાઓની કોર્ટ કાર્યવાહી નિષ્ફળ જતા આખરે લીલી ઝંડી મળ્યા પછી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાની ટીમ દ્વારા, ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.

શનિવાર તારીખ 11મીથી શુક્રવાર તારીખ 17મી સુધી સતત સાત દિવસ સુધી કરવામાં આવેલા આ મેગા ઓપરેશન ડિમોલિશનમાં તંત્રએ સઘન કામગીરી કરી, 14.27 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા કુલ 520 દબાણો દૂર કર્યા હતા. રૂ. 6.19 કરોડની અંદાજિત બજાર કિંમત ધરાવતા રહેણાંક, કોમર્શિયલ તથા ધર્મસ્થળોના સ્વરૂપે કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ ધ્વસ્ત કરાયા છે.

સમગ્ર રાજ્યમાં સંભવિત રીતે પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે દબાણ હટાવની સફળ કામગીરી થઈ હોવાનું કહેવાય છે. ત્યારે આ સમગ્ર ઝુંબેશ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. પ્રશાંત સીંગરખીયા, દ્વારકાધીશ મંદિરના પી.આઈ. ડી.એમ. ઝાલા, અક્ષય પટેલ, કલ્યાણપુરના પી.એસ.આઈ. સવસેટા તથા જાડેજા મીઠાપુરના પી.એસ.આઈ. એમ.ડી મકવાણા, યુ.બી. અખેડ, કલ્યાણપુરના એ.એસ.આઈ. લલિત ગઢવી સહિતના પોલીસ કાફલા ઉપરાંત દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રિંડાણી, ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા નાયબ મામલતદાર ભટ્ટ, તેમજ રેવન્યુ ટીમની જહેમત કાબિલેદ બની રહી હતી.

આ સમગ્ર ઓપરેશન ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીજીવીસીએલ તથા મેડિકલ ટીમને પણ સતર્ક રાખવામાં આવી હતી. આમ, સંકલન તથા આયોજનબદ્ધ રીતે પોલીસ તથા રેવન્યુ ટીમની આ ડિમોલિશન કાર્યવાહીથી દેશની સુરક્ષા તથા દરિયાઈ સુરક્ષાનો હેતુ સિદ્ધ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓપરેશન ડિમોલિશનનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...