દેવભૂમિ દ્વારકા જિલ્લાની 81- ખંભાળિયા બેઠક પર કુલ 3.04 લાખ મતદારો દ્વારા મતદાન થાય છે. ખંભાળિયા બેઠક માટે ખંભાળિયા સાથે ભાણવડ તાલુકાના પણ મતદારો સમાવિષ્ટ છે. આહિર જ્ઞાતિનું વર્ચસ્વ ધરાવતાં ખંભાળિયાના ઇતિહાસમાં છેલ્લા પાંચ દાયકાથી અત્યાર સુધી માત્ર એક જ વખત બિનઆહિર ઉમેદવાર જીત્યા છે. આ બેઠક પર આટલા દાયકાઓમાં અપક્ષ હોય કે ભાજપ કે કોંગ્રેસ, આહિર જ્ઞાતિના ઉમેદવાર જ વિજેતા બને છે. આ બંને મુખ્ય હરીફ પક્ષોમાં સામસામે ઉમેદવારો પણ આહીર જ્ઞાતિના જ હોય છે.
ચાર વખત અપક્ષ ઉમેદવાર જીતેલા
વર્ષ 1972માં અપક્ષ ઉમેદવાર હેંમત રામ માડમ તેમના હરીફ ઉમેદવારને હરાવીને વિજેતા બન્યા હતા. વર્ષ1975માં જમનાદાસ પાબારીને હરાવી, પુનઃ હેંમત માડમ વિજેતા થયા હતા. વર્ષ 1980માં પણ જગુ તન્નાને હરાવી હેંમત માડમ વિજેતા થયા હતા. આ જ રીતે વર્ષ 1985માં ખીમાજી જાડેજાને હરાવી સતત ચોથી વખત અપક્ષ ઉમેદવાર હેંમત માડમ જીત્યા હતા.
ભાજપનો કબજો બરકરાર
વર્ષ 1990માં અહીં પલટો આવ્યો હતો અને કોંગ્રેસે આ બેઠક પર ડોક્ટર રણમલ વારોતરીયાને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે જગુ તન્નાને હરાવી, આ સીટ કબજે કરી હતી. ત્યારબાદ વર્ષ 1995માં ભાજપના ઉમેદવાર જેસા ગોરીયાએ 1160 મતની વધુ લીડ મેળવી ડોક્ટર વારોતરીયાને પરાજિત કર્યા હતાં. વર્ષ 1998માં આ બેઠક પર ભાજપના કાળુ ચાવડાએ ડોક્ટર સાજણ વારોતરીયાને હરાવી, સાડા અગિયાર હજાર મતની લીડ મેળવી હતી. ત્યારબાદ બીજી વખત પણ કાળુ ચાવડાએ વર્ષ 2002માં કોંગ્રેસના ડોક્ટર રણમલ વારોતરીયાને હરાવી, આ સીટ પર કબજો બરકરાર રાખ્યો હતો.
પૂનમ માડમની ઐતિહાસિક લીડ
વર્ષ 2007માં ભાજપે પ્રથમ વખત ખંભાળિયા બેઠક પર બિનઆહિર ઉમેદવાર મેઘજી કણજારીયાને મેદાનમાં ઉતાર્યા હતા. જેણે મોદી પવનનો લાભ મેળવી માત્ર 798 મતની લીડ મેળવીને કોંગ્રેસના ડોક્ટર રણમલ વારોતરીયાને હરાવી દીધા હતા. આમ, વર્ષ 1972થી આહિર જ્ઞાતિ અંગેનો રેકોર્ડ મેઘજી કણજારીયાએ તોડ્યો હતો અને બિનઆહિર ઉમેદવાર વિજેતા થયા હતાં. જે રેકોર્ડ આ દોઢ દાયકામાં તૂટ્યો નથી. વર્ષ 2012માં ખંભાળિયા બેઠક પર ભાજપના પૂનમ માડમે કોંગ્રેસના એભા કરમુરને હરાવી, 38 હજારથી વધુ મતોની ઐતિહાસિક લીડ મેળવી નવો વિજય રેકોર્ડ સર્જ્યો હતો.
ખંભાળિયા બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે
ધારાસભ્ય પૂનમ માડમે વર્ષ 2014માં સાંસદ બનતાં ખાલી પડેલી ખંભાળિયા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં વર્ષ 2014માં ભાજપના ઉમેદવાર મુળુ બેરાને હરાવી, કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ 1150 મતે ભાજપ પાસેથી આ સીટ કબજે કરી હતી. સતત 5 ટર્મથી ભાજપના કબજામાં રહેલી આ સીટ કોંગ્રેસે આંચકી લીધી હતી. વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર કાળુ ચાવડાને હરાવી જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમ 11,000થી વધુની લીડ મેળવીને વિજેતા બન્યા હતાં. સતત અઢી દાયકા સુધી ખંભાળિયાની બેઠક પર જીતનારી ભાજપની છેલ્લી બે ટર્મથી આ બેઠક જાય છે. ત્યારે આ વખતે મરણિયા પ્રયાસો સાથે રાષ્ટ્રીય પક્ષો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયા બેઠક ચર્ચામાં રહેશે
આ વખત મહત્વની બાબતો એ છે કે, આમ આદમી પાર્ટીના સક્ષમ ઉમેદવાર ઈશુદાન ગઢવી દ્વારા પણ અહીં ફોર્મ ભરવામાં આવતા ખંભાળિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે. ખંભાળિયા બેઠક માટેની ચૂંટણી સમગ્ર રાજ્યમાં ચર્ચા સાથે ઉત્તેજનાસભર બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.