ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં 82-દ્વારકા કલ્યાણપુર સીટ પરથી પબુભા માણેકે સતત આઠમી વખત જીત મેળવ્યા બાદ યાત્રાધામ દ્વારકામાં વિશાળ જનમેદનીને સંબોધી હતી.
હું દરેક સમાજનો હું ઋણી છું: પબુભા માણેક
પબુભા માણેકે વિશાળ જનમેદનીને સંબોધતા સૌ પ્રથમ શિવ-શિવથી શરૂઆત કરતા જણાવ્યું હતું કે, તેઓને સતત મળતી જીતમાં આ ક્ષેત્રના અગ્રણીઓ, સાધુ સંતોની સલાહો તેમજ દરેક સમાજના આગેવાનોની તન-મનથી મળતી સેવા નિરંતર કામ આવી છે. આ વખતની ચૂંટણીમાં જબરદસ્ત સ્પર્ધાવાળી હોવાનું ગણાવીને પણ તેઓએ જણાવેલ કે, દ્વારકાધીશમાં વિશ્વાસ હતો કે જીત મળશે જ અને દરેક સમાજના તેમાં પણ ખાસ કરીને યુવા વર્ગના જબરદસ્ત સમર્થનથી ફરી એકવાર આ વિસ્તારની સેવાનો મોકો મળ્યો છે. વિરમભાના દિકરા તરીકે પહેલી વાર 1990માં પ્રજાએ કળશ ઢોળ્યો અને વિજયી બનાવ્યો હતો, ત્યારથી જવાબદારી શરૂ થઈ હતી. જે આજે દરેક ચૂંટણી જીતવાની સાથે મારી જવાબદારીમાં સતત વધારો થયો છે અને દરેક સમાજનો હું ઋણી છું. સૌથી મોટો રાજકારણી શ્રીકૃષ્ણ હતાં જેમણે સર્વેના ભલા માટે રાજકારણ રમ્યું હતું. જેની સીખ આપણને મહાભારતમાંથી મળે છે.
બીચના કારણે 12,00 પરિવારોને રોજીરોટી મળી
દ્વારકા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટુરીઝમ તેમજ યાત્રાધામના સમાનાંતર વિકાસ થાય તે માટેનું દુરંદેશી વિઝન હોવાને લીધે સમગ્ર દ્વારકા ક્ષેત્રમાં છેલ્લાં બે દાયકામાં વિકાસકાર્યોમાં હરણફાળ ભરી છે. 1,000 કરોડનો પ્રોજેકટ દ્વારકાના વિકાસ માટે ફાળવાયો છે. અન્ય પ્રોજેક્ટમાં ડૂબી ગયેલ દ્વારકાની અન્ડરવોટર પ્રદર્શનીના પ્રોજેકટના વિકાસ સાથે આ ક્ષેત્રમાં ટુરીઝમનો સુવર્ણકાળ નરેન્દ્ર મોદીના વીઝનને કારણે આવનાર છે. પીએમના દિલમાં દ્વારકા હોય જેથી જ શિવરાજપુર બીચ, સિગ્નેચર બ્રીજ જેવા વિકાસકાર્યો દ્વારકામાં કાર્યરત છે અને શિવરાજપુર બીચના વિકાસને કારણે 12,00 પરિવારોને રોજીરોટી મળી રહી છે.
સર્વે સમાજનો આભાર માન્યો
ટુરીઝમના વિકાસ સાથે સમગ્ર દ્વારકાનો વિકાસ થનાર છે. તેથી જેવી રીતે ઉતરાંચલવાળા કહે છે, યાત્રાળુઓ અમારા મહેમાન છે. તેવી રીતે અહીંના તમામ સમાજે દ્વારકા આવતા પ્રવાસીઓને અતિથિ દેવો ભવઃની ટેક પાળવી પડશે. કારણ કે યાત્રાધામમાં આવતા દરેક યાત્રાળુઓ સુરક્ષિત અનુભવે છે, એવી દ્વારકાની છાપ છે. આ સાથે આ ક્ષેત્રને અલગ ઓળખાણ મળે તે માટે શકય હોય ત્યાં સુધી ટૂંક સમયમાં આ વિસ્તારમાં આખું ઓખામંડળ દર સોમવારે દરેક સમાજ એકજ કલરનો કોમન ડ્રેસકોડ જેના પર શિવ શિવ-હરિહર લખેલું હોય તેવા ડ્રેસમાં જોવા મળે તેવી તેમની નેમ હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. સર્વે સમાજનો ફરીવાર પ્રેમ વરસાવવા બદલ ધન્યવાદ માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.