• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Teacher On A Dwarka Tour Dies After Falling From A Bus, Rapes A Foreign Girl After Luring Her For Marriage, See Important News From Dwarka

દ્વારકા ક્રાઇમ ન્યૂઝ:દ્વારકા પ્રવાસે આવેલા શિક્ષકનું બસમાંથી પટકાતા મોત, તો લગ્નની લાલચ આપી પરપ્રાંતિય યુવતી સાથે ગુજારાયું દુષ્કર્મ, જુઓ દ્વારકાના મહત્વપૂર્ણ સમાચારો

દ્વારકા ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકામાં રોડ અકસ્માત અને ગુનાખોરીના મામલાઓ સતત સામે આવી રહ્યાં છે. દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પરપ્રાંતિય યુવતીને લગ્ન લાલચ આપી નરાધમે દુષ્કર્મ ગુજાર્યો હતો, જ્યારે શૈક્ષણિક પ્રવાસે આવેલા શિક્ષક ચાલુ બસમાંથી નીચે પટકાતા મૃત્યુ પામ્યા છે.

બસમાંથી નીચે પટકાતા મોત
આ બનાવની વિગત એવી છે કે સિહોર તાલુકાના અગિયારી ગામના મૂળ રહીશ અને હાલ તળાજા રોડ પર રહેતા હર્ષદ રમેશભાઈ જાની નામના 35 વર્ષીય શિક્ષક ગઈકાલે બુધવારે એક બસ મારફતે દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવાસમાં આવ્યા હતા.

ગઈકાલે બપોરના સમયે તેઓ દ્વારકા દર્શન કરી અને જુનાગઢ પરત જવા માટે નીકળ્યા હતા, ત્યારે દ્વારકા નજીકના હાઈ-વે માર્ગ પર ખોડીયાર મંદિર ચેક પોસ્ટ પાસેથી નીકળતા બસમાં બેઠેલા શિક્ષક હર્ષદ જાનીને મોબાઈલ ફોન આવતા તેઓ તેમની સીટ ઉપરથી ઉભા થઈ અને બસના દરવાજા પાસે વાત કરી રહ્યા હતા. ત્યારે એકાએક તેઓ રોડ પર પટકાઈ પડતા તેમને ગંભીર રીતે ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં શિક્ષકને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

પરપ્રાંતિય યુવતી પર દુષ્કર્મ
કલ્યાણપુર તાલુકાના એક ગામમાં રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશની 32 વર્ષની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેણીની ઈચ્છા વિરુદ્ધ વાલા સામતભાઈ ચાવડાએ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેના પછી પણ વાલા ચાવડાએ લગ્નની ન પાડતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જુગાર રમતી મહિલાઓ સહિત ચાર ઝડપાયા
​​​​​​​ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા રહીમ ઉર્ફે વસીમ ઈકબાલ સમા, સોએબ બોદુ સમા અને બે મહિલાઓને ઝડપી લઈ કુલ 10,270 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મીઠાપુરમાં રખડતો શખ્સ ઝડપાયો
મીઠાપુરના સુરજરાડી વિસ્તારમાં આવેલી બકાલા માર્કેટમાંથી પોલીસે રૂપા રામાભાઈ શિરુકા નામના 41 વર્ષના શખ્સને રાત્રિના સમયે દુકાનોના તાળા તપાસતા ઝડપી લઈ તેની સામે જરૂરી કાર્યવાહી કરી હતી.

શખ્સ ચાઈનીઝ દોરા સાથે ઝડપાયો​​​​​​​
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા નજીર અદ્રેમાન થૈમ નામના 21 વર્ષીયશખ્સ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા હોવાની વિગત એસ.ઓ.જી. પોલીસને મળી હતી. પોલીસની ચેકિંગ દરમિયાન નજીર પાસેથી 7,800 રૂપિયાની 39 ફીરકી મળી આવી હતી. જેથી પોલીસે તેની સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો હતો.

પરિણીતા બે સંતાનો સાથે લાપતા
ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા ભરત હરીશભાઈ કારીયા નામના યુવાનની પત્ની મીરાબેન તથા તેમનો ત્રણ વર્ષનો પુત્ર કશીશ અને દોઢ વર્ષની પુત્રી દિયા ગત તારીખ 15 ડિસેમ્બરના રોજ તેણીના માવતર પક્ષના કપિલ હેમતભાઈ મશરૂ સાથે પોતાના માવતરે ગયા બાદ ત્યાં તેઓ ત્રણ દિવસ પછીથી લાપતા બની ગયા હતા.

માસુમ પુત્ર તથા પુત્રી સાથે લાપતા બનેલા મીરાબેનનો ફોન પણ લાગતો ન હોવાથી પતિ ભરતે ખંભાળિયામાં જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી કરી છે. મીરાબેન તથા ભરતભાઈનો લગ્નગાળો 11 વર્ષનો હોવાનું જણાવાયું છે.

દ્વારકા જિલ્‍લામાં હથિયાર બંધી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક હુકમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરેલા હુકમ મુજબ જિલ્લામાં 9 ફેબ્રુઆરી સુધી શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા કોઈ પણ પ્રકારના શારીરિક ઈજા કરી શકે તેવા શસ્‍ત્રો અને ક્ષયકારી કે સ્‍ફોટક દારૂગોળો લઈ જવા, મનુષ્‍ય, તેના શબ કે અન્‍ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્‍સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર કે પથ્થરો ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુઓ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવાના કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...