ઓખા મંડળના પોશીત્રા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ યુવાન તેના સસરાના ઘરે ગયો હતો. ત્યારે અહીં સાસુ, સસરા અને સાળાએ મળી એને બેફામ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ધોરણસર ફરિયાદ નોંધાવી
આ સમગ્ર બનાવ અંગે ઓખાના પોશીત્રા વાડી વિસ્તારમાં રહેતા રફીક આદમ ઉઢા નામના 24 વર્ષના સંધી મુસ્લિમ યુવાને ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા તેના સસરા રજાક કાદર સોઢા, સાસુ રોશન તથા સાળા અકબર રજાક સોઢા સામે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
મારી નાખવાની ધમકી આપી
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી રફીક તથા તેના પત્ની રોઝીના ગત તારીખ 22 ઓગસ્ટ 2022ના રોજ મીઠાપુર ખાતે એક ખાનગી દવાખાનામાં રોઝીનાના રૂટીન ચેકઅપ માટે ગયા બાદ તેની પત્નીના કહેવા મુજબ આ દંપતી સસરા રજાકના ખબર અંતર કાઢવા માટે તેમના ઘરે ગયા હતા. ફરિયાદી રફીકના સાસરે જતા તેના સસરા રજાક, સાસુ રોશન તથા સાળા અકબરે દરવાજા બંધ કરી અને એકસંપ કરી, અપશબ્દો બોલી, પોતાના પત્ની રોઝીનાને સરખી રીતે રાખવા અને હેરાન પરેશાન ન કરવાનું કહ્યાં બાદ બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
IPC કલમ મુજબ ગુનો નોંધ્યો
આ બનાવથી ચિંતાગ્રસ્ત હાલતમાં ફરિયાદી રફીકે તેની વાડીમાં જઈ અને અહીં રહેલી ખડમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવ બાદ તેને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. રફીકના લગ્ન આજથી આશરે સાત વર્ષ પૂર્વે થયાનું તથા તેમને છ વર્ષનો એક પુત્ર હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. અગાઉ તેના પત્નીએ સ્ત્રી અત્યાચારની કલમ મુજબ રફીક સામે ફરિયાદ પણ આપી હતી. બાદમાં તેઓનું સમાધાન થઈ ગયું હતું. આ બનાવ અંગે ઓખા મરીન પોલીસે રફીક ઉઢાના સાસુ, સસરા તથા સાળા સામે IPC કલમ 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો હતો.
જુગાર રમતાં ચાર શખ્સો ઝડપાયા
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા રફીક મહમદ સમા, ઈશા જુસબ હિંગોરા, સોએબ બોદુ સમા અને આરીફ ગુલમામદ સમા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતાં. તેમની પાસેથી કુલ રૂપિયા 4 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.