દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર:દ્વારકામાં આયુર્વેદ અને હોમિયોપેથીનો મેગા નિદાન-સારવાર કેમ્પ યોજાયો; 600થી વધુ લોકોએ લાભ લીધો

દ્વારકા ખંભાળિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે આયુષની કચેરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ અઘિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં દ્વારકા સ્થિત રાધાકૃષ્ણ મંદિર- સનાતન સેવા મંડળ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથીનો મેગા નિદાન-સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.

વિવિધ રોગોના 607 લાભાર્થીએ લાભ લીધો
આ કેમ્પની શરૂઆતમાં સનાતન સેવા મંડળના હેમાબેન શર્મા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. વિવેક વી. શુક્લ, જિલ્લા યોગ કોર્ડિનેટર ઘનાભા જડિયા અને નગરજનોની ઉપસ્થિતિમાં દિપ પ્રગટાવીને કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રોગોના 607 લાભાર્થીએ લાભ લીધો હતો. આયુર્વેદ અને હોમિયોપેથીના નિદાન-સારવારની સાથે રોગ પ્રતિકારક શક્તિવર્ધક સંશમની વટી અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્યની જાળવણી બાબતે પ્રદર્શન રાખીને નગરજનોને આહાર, દિનચર્યા, ઋતુચર્યા, વિરુદ્ધ આહાર જેવા સાંપ્રત સમયમાં ખૂબજ ઉપયોગી એવી બાબતોથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર ઘનાભા જડિયા તેમજ આયુર્વેદ શાખાના યોગ ઇન્સ્ટ્રકટર પૂજા એચ. છૈયા દ્વારા યોગ સેશન યોજીને રોગ વિષયક પેટ, ચામડી, સાંધાના રોગો માટે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

જરૂરિયાતમંદ બાળકોને ઔષધીનું વિતરણ કરાયું
એન.એફ.એચ.એસના સર્વેને અનુલક્ષીને સનાતન સેવા મંડળ તેમજ અન્ય શાળાઓના અન્ડર વેટ બાળકોને સ્ક્રિન કરી જરૂરિયાતમંદ બાળકોને ઔષધી વિતરણ કરવામાં આવી હતી. "જુના અને હઠીલા" સંધી વાના રોગોમાં પંચકર્મ સારવાર અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દર્દીઓને રોગોમાં અકસીર પરિણામ આપતી આયુષની કચેરી હસ્તકની રાજપીપળા ફાર્મસી દ્વારા તૈયાર કરવામાં આવેલી અકસીર દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આયુર્વેદ અને હોમિયોપેથીનો મેગા નિદાન-સારવાર કેમ્પ યોજાયો
આ કેમ્પને સફળ બનાવવા આયુર્વેદ શાખાના વૈદ્ય જીજ્ઞા બી.કુલર, વૈદ્ય કશ્યપ ચૌહાણ, ડો. મીરા એચ.ચાવડા, ડો. ઈવેન્જલી ડી. ગામીત, ડો. વિરમ એન.બોદર સાથે વિજયભાઈ છુછર, શિલ્પાબેન પાણખાણીયા, શીતલબેન દેવમુરારી, વિશાલ મિશ્રા તથા રાજુભાઈ આંબલીયાએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં આયુ ઓ.પી.ડી - 287, હોમિઓપેથી ઓ.પી.ડી. - 324, પંચકર્મના લાભાર્થી - 54, યોગાભ્યાસના લાભાર્થી - 137, આઈ.ઈ.સી.ના લાભાર્થી - 365, ઉકાળા વિતરણના લાભાર્થી - 565, સંશમની વટીના વિતરણ લાભાર્થી - 565 રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...