ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 30 માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે, તા. 30થી તા. 3 એપ્રિલ સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરવા દ્વારકામાં તા. 3ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાથે શોભાયાત્રા, મલ્ટી મીડિયા શો, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાએ પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર માહિતી પૂરી પાડી હતી. સમગ્ર આયોજનની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઔદ્યોગિક એકમોના મેનેજરો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર. પરમાર, પ્રાંત અધિકારી ખંભાળિયા પાર્થ કોટડિયા, પ્રાંત અધિકારી દ્વારકા પાર્થ તલસાણીયા, પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ વૈષ્ણવ સંપ્રદાયો, વિવિધ ઔદ્યોગિક એકમોના મેનેજર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.