ભાણવડ નજીકના માર્ગમાંથી ગત રાત્રે શંકાના આધારે એક ટ્રકમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન નવાગઢ (તા. જેતપુર) ના ખાટકી શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે લઈ જવાતી બાર ભેંસો ઝડપી લીધી હતી. આ પ્રકરણમાં અન્ય એક શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે.
શંકાના આધારે અટકાવી જોતા ટ્રકની અંદર બાર ભેંસો બાંધેલી હતી
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડના મોટા પુલ પાસે ગત રાત્રિના આશરે 11:30 વાગ્યાના સમયે પસાર થતા ભાણવડ પંથકના રહીશ રણમલ પરબત મોઢવાડિયા નામના યુવાન દ્વારા શંકાના આધારે અટકાવી તેમાં જોતા આ ટ્રકની અંદર બાર ભેંસો દોરડા વડે બાંધીને લઈ જવાતી હોવાનું ધ્યાને આવ્યું હતું.
સક્ષમ અધિકારીની મંજૂરી વગર ભેસોને લઈ જવાતી હોવાનું ખુલ્યું
આથી આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આ સ્થળે દોડી ગયો હતો. ઉપરોક્ત ટ્રકનું નિરીક્ષણ કરતા આ ટ્રકના ચાલક એવા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ ખાતે રહેતા બિલાલ હુસેન કારવા નામના 23 વર્ષના ખાટકી શખ્સ દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા કે સક્ષમ અધિકારીની મંજૂરી વગર ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાર ભેસોને લઈ જવાતી હોવાનું ખુલવા પામ્યું હતું.
કલમ 114 તથા પશુ સંરક્ષણ ધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો
આ તમામ ભેંસ તેણે ભાણવડ તાલુકાના ઢેબર ગામના રહીશ ભીખુ હાસમ હિંગોરા પાસેથી લીધી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે રણમલ પરબત મોઢવાડિયાની ફરિયાદ પરથી રૂ.3 લાખની કિંમતની ટ્રક, રૂપિયા 1.20 લાખની કિંમતની 12 ભેંસ હસ્તગત કરી આરોપી બિલાલ હુસેનની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક શખ્સ ભીખુ હાસમ હિંગોરા સહિત આ પ્રકરણમાં પોલીસે આઈ.પી.સી. કલમ 114 તથા પશુ સંરક્ષણ ધારાની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.