ભાણવડના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારના રહેણાંક મકાનમાં આજથી આશરે બે વર્ષ પૂર્વે ત્રાટકી અને મધ્યપ્રદેશના એક શખ્સ તથા તેના સાગરીતો દ્વારા લૂંટ ચલાવી નાસી ગયા હતા. જે બાદ લાલપુર પાસે પોલીસ પર હુમલો કરવાના પ્રકરણમાં ફરાર એવા મધ્યપ્રદેશના ભીલ શખ્સને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકાના મેવાસા ગામની સીમમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગોરધનભાઈ ટપુભાઈ કોળીના રહેણાંક મકાનમાં ગત તારીખ 8 જાન્યુઆરી 2021ના રોજ રાત્રિના સમયે મધ્યપ્રદેશ રાજ્યના ધારથાણા જિલ્લાના કુકસી તાલુકામાં રહેતા ભારત ઉર્ફે ભાઈસિંહ બિલામ મંડલોઈ નામના 29 વર્ષના ભીલ શખ્સ દ્વારા અન્ય સાગરીતો સાથે મળી અને દાતરડા, ધોકા જેવા હથિયારો વડે ધાડ પાડી હતી. ઉપરોક્ત ખેડૂત પરિવારના સભ્યોને બંધક બનાવીને તેમના રહેણાંક મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂપિયા 5,37,300 ના મુદ્દામાલની લૂંટ ચલાવીને ખેડૂતની ક્વિડ મોટરકાર લઈને નાસી છુટ્યા હતા.
નાસી છૂટેલા આ શખ્સોનું પગેરું દબાવી અને દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લા ખાતે નાકાબંધી તેમજ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિમાં ઉપરોક્ત આરોપીઓએ જામનગર જિલ્લાના લાલપુર નજીકથી પોલીસ ઉપર હુમલો કરી અને મોટરકાર મૂકી આ વિસ્તારમાં રાખવામાં આવેલું એક બુલેટ મોટરસાયકલ લઈને નાસી છૂટ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ તથા લાલપુર પોલીસ મથકમાં લૂંટ, પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની જુદી-જુદી ત્રણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, તથા એસ.વી. ગળચર અને એસ.એસ. ચૌહાણની ટીમ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. જે સંદર્ભે એલસીબી પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. કેશુરભાઈ ભાટીયા, જયદેવસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશના રહેવાસી એવા ઉપરોક્ત આરોપી ભારત ઉર્ફે ભાઈસિંહ ભીલને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સની અટકાયત કરી વધુ તપાસ અર્થે તેનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.