દ્વારકા ક્રાઈમ ન્યૂઝ:જુના મનદુઃખનો ખાર રાખીને જીવલેણ હુમલો; મીઠાપુરના મહિલાને મારી નાખવાની ધમકી આપવા સબબ પાંચ સામે ફરિયાદ...

દ્વારકા ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જુના મનદુઃખનો ખાર રાખીને ભીમરાણાના બંધુઓ પર જીવલેણ હુમલો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાં રહેતા ગરાસીયા પરિવારના બે ભાઈઓ પર શનિવારે રાત્રિના સમયે જૂના મનદુઃખનો ખાર રાખી, આ જ વિસ્તારમાં રહેતા છ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરી, મારી નાખવાની ધમકી આપવા સબબ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા જયદીપસિંહ દિલુભા વાઢેર નામના ગરાસીયા યુવાન તથા તેમના ભાઈ સુખદેવસિંહ દિલુભા વાઢેરને આ જ વિસ્તારમાં રહેતા શક્તિસિંહ હરિસિંહ જાડેજા નામના એક શખ્સ સાથે ત્રણેક દિવસ પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ મનદુઃખનો ખાર રાખી શનિવારે રાત્રિના આશરે 10:30 વાગ્યાના સમયે સતુભા હેમભા જાડેજા, રાજેન્દ્રસિંહ જશુભા જાડેજા, વિરેન્દ્રસિંહ દોલુભા સોઢા, ભરતસિંહ ઉર્ફે ભીખુભા હરિસિંહ જાડેજા, શક્તિસિંહ હરિસિંહ જાડેજા અને અર્જુનસિંહ હરિસિંહ જાડેજા નામના છ શખ્સોએ લોખંડની પાઈપ તથા લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ગેરકાયદેસર રીતે મંડળી રચી, જયદીપસિંહ તથા તેમના ભાઈ સુખદેવસિંહ ઉપર હુમલો કર્યો હતો.

આ હુમલામાં આરોપીઓએ બંનેને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં તમામ છ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા રાયોટીંગની કલમ 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. સી.એલ. દેસાઈ ચલાવી રહ્યા છે.

મહિલાને મારી નાખવાની ધમકી આપવા સબબ પાંચ સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા ગૌરીબેન ધાનાભાઈ ચાનપા નામના 36 વર્ષના અનુસૂચિત જાતિના મહિલાએ જેસાભાઈ નાયાભાઈ ચાનપા, અલીબેન કૌશિકભાઈ ચાનપા, બુધીબેન બાબુભાઈ ચાનપા, કામલબેન હમીરભાઈ ચાનપા અને કૌશિક હમીરભાઈ ચાનપા નામના પાંચ વ્યક્તિઓ સામે તેમને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરીયાદ નોંધાવી છે.

ફરિયાદી ગૌરીબેનના પુત્ર સાથે આરોપીઓ જેસાભાઈ તથા આલીબેન ઝઘડો કરતા હતા, આ બાબતે બોલાચાલી બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે ત્રણ મહિલાઓ સહિત પાંચેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...