ખંભાળિયા નજીક કારમાં આગ ભભુકી ઉઠી...
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર વડત્રાથી બેહ ગામ તરફ જતા માર્ગ પર ગતરાત્રિના આશરે સાડા દસેક વાગ્યે એક સ્વિફ્ટ કારમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકો દ્વારા અહીંના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર સ્ટાફના જવાનોએ ઘટનાસ્થળે દોડી જઈ, સળગતી કાર પર પાણીનો મારો ચલાવી અને આગ કાબુમાં લીધી હતી. શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું કહેવાય છે. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામી નથી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
દ્વારકામાં ચાઈનીઝ દોરાના વેચાણ અંગે ચેકિંગ...
સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા તથા આ અંગેના જાહેરનામાની અમલવારી કરવાના હેતુથી દ્વારકામાં પોલીસ તંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આ અંતર્ગત દ્વારકાના પી.આઈ. પી.એ. પરમાર તથા સ્ટાફ દ્વારા દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં જઈ અને પતંગ તથા ફિરકીનું વેચાણ કરતી દુકાનમાં ચેકિંગ કરાયું હતું. જે વિક્રેતાઓ પાસેથી મનુષ્ય તથા પક્ષીઓ માટે પ્રાણઘાતક એવા ચાઈનીઝ દોરા કે તુક્કલ મળી આવશે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
ગરીબ પરિવારના રૂપિયા પ્રાઇવેટ કંપનીમાં ફસાયા...
સલાયાના અસંખ્યો નાના તેમજ ગરીબ પરિવારોએ એક પ્રાઇવેટ કંપનીમાં પૈસાનું રોકાણ કર્યું હતું. આં કંપની દ્વારા લોકોના નાણા પરત ન કરતા લોકો દ્વારા કંપનીના એજન્ટો તેમજ અધિકારીઓને અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પૈસા પરત મળ્યા નહિ. જેથી તમામ પરિવારો એકત્ર થઈ અને સલાયાથી નીકળી અને ખંભાળિયા મુકામે આવેલ કંપનીની ઓફિસે સૂત્રોચ્ચાર સાથે પહોંચી ગયા હતા. ત્યાં કોઈ સક્ષમ અધિકારી હાજર ન હોવાથી લોકોએ સૂત્રોચ્ચાર કરી એમના હક્કના નાણા પરત કરવા માગ કરી હતી. હાલ સલાયામાં સેકડો લોકોના નાણા આ કંપનીમાં ફસાયા છે. ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે. તેમના જીવનની તમામ પુંજી આમા રોકાઈ ગઈ હોવાથી તેમની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે. સરકાર દ્વારા આ બાબતે કોઈ પગલાં ભરી ન્યાય મળે એની રાહ જનતા જોઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.