જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ
ખંભાળિયામાં દર મહિને યોજાતી દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક અત્રે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા માર્ગ સલામતીનો સ્ટ્રેટેજીક એકશન પ્લાન, શાળા કોલેજમાં માર્ગ સલામતી વિશે સેમિનાર યોજવા, તેમજ કેન્દ્રિય પુરસ્કૃત 'સ્કીમ ફોર ગ્રાન્ટ એવોર્ડ ટુ ધ ગુડ સેમરિટન' યોજનાનો બહોળો પ્રચાર-પ્રસાર કરવા જેવા મુદ્દાઓ ઉપર કામગીરી કરવા સહિતના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા, સભ્ય સચિવ જી.વી. તલસાણીયા, રોડ સેફટીના નોડલ અધિકારી આર.પી. મુનીયા તેમજ જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યો જોડાયા હતા.
આફ્રિકા કોલિંગ બિઝનેસ મીટમાં ભાગ લેશે ખંભાળિયાના વેપારી આગેવાનો...
રઘુવંશી જ્ઞાતિની માતૃ સંસ્થા લોહાણા મહા પરિસદ દ્વારા આફ્રિકા ખાતે આગામી તા. 19થી 23 માર્ચ સુધી ખાસ બીઝનેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશમાંથી આફ્રિકા ખાતે યોજવામાં આવેલી "આફ્રિકા કોલિંગ" બિઝનેસ મીટમાં મોટી સંખ્યામાં રઘુવંશી જ્ઞાતિના બિઝનેસમેનો ભાગ લેશે. ત્યારે આ બિઝનેસ મીટમાં ભાગ લેવા માટે ખંભાળિયાના રઘુવંશી અગ્રણી, વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા પાલિકાના પૂર્વ પ્રમુખ જયેશ ગોકાણી તેમજ શ્યામ મિલવારા હિતેશ તન્ના, ધવલ ગોકાણી, કિશન તન્ના, વગેરે બિઝનેસમેન યુવાનો આ મહત્વની મીટમાં ભાગ લેવા ગયા છે.
વેપાર ધંધા સાથે સામાજિક વિકાસ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાના હેતુથી ખંભાળિયાના યુવા વેપારીઓ આ બિઝનેસ સેમિનારમાં જતા તેઓને ખંભાળિયાના વિવિધ વેપારી મંડળો, લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી અરુણ મજીઠીયા, પ્રતાપ દંત્તાણી, દિનેશ દંત્તાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલ તન્ના તેમજ પીઢ પત્રકાર રમણીક રાડિયા, ઉપરાંત જ્ઞાતિની વિવિધ સંસ્થાના હોદ્દેદારોએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી.
પાછતર ગામે રક્તદાન કેમ્પ તથા દંતયજ્ઞ યોજાયો
ભાણવડ તાલુકાના પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉ. પ્રકાશ ચાંડેગ્રા તથા ડૉ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ ભાણવડના સંકલ્પ ગ્રુપ દ્વારા તથા સિમેન્ટ કંપનીના સૌજન્યથી ખંભાળિયાની જનરલ હોસ્પિટલના થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે તાજેતરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 35 યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ સેવાકીય કાર્યમાં સંકલ્પ ગ્રુપના પ્રયત્ન તથા હેલ્થ સ્ટાફના સહકાર અને જનરલ હોસ્પિટલના ડૉ. કનારાની બ્લડબેન્કની ટીમના લેબટેક તન્નાભાઈ અને તેમની ટીમના સહયોગથી કેમ્પ સફળ રહ્યો હતો.
આ કેમ્પમાં પાછતરના સરપંચ, પાછતર ગામનો સ્ટાફ, મોરજર આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દિગ્વિજય સિમેન્ટ કંપની તરફથી તમામ રક્તદાતાને સ્મૃતિ ભેટ અને બ્લડ બેન્ક દ્વારા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. ભાણવડની એક હોસ્પિટલ ભાણવડના દાંતના સર્જન ડૉ. હેતલબેન ગોહિલ દ્વારા દાંતાના રોગોનો નિઃશુલ્ક કેમ્પ પણ સાથે રાખવામાં આવ્યો હતો. જેનો પણ લોકોએ લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.