ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશનમાં ઈરાની બોટમાંથી 425 કરોડનું 61 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)એ ભારતીય જળસીમામાં 5 ક્રૂ સાથે 425 કરોડ કિંમતના 61 કિલો હેરોઈન સાથે ઈરાની બોટને અટકાવી હતી.
સોમવાર, 6 માર્ચ 2023ના રોજ ATS દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના ઇનપુટ પર, ICGએ વ્યૂહાત્મક રીતે તેના બે ફાસ્ટ પેટ્રોલ ક્લાસ જહાજો, ICGS મીરા બહેન અને ICGS અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા. જ્યાં રાત્રિ દરમિયાન, ભારતીય જળસીમામાં ઓખા કિનારેથી 340 કિલોમીટર (190 માઇલ) દૂર લગભગ એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો દ્વારા પડકારવામાં આવતા, બોટે અયોગ્ય દાવપેચ શરૂ કર્યા હતા. જેથી ICG જહાજો દ્વારા બોટનો પીછો કરવામાં આવ્યો હતો અને તેને રોકવાની ફરજ પડી હતી.
તપાસ કરતાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ મેમેબર્સ હતા. ICG બોર્ડિંગ ટીમ દ્વારા તપાસ દરમિયાન, ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા જોવા મળ્યા હતા. જેથી બોટમાં વ્યાપક સંશોધન પછી આશરે રૂ. 425 કરોડની કિંમતનો 61 કિલો માદક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ ભેદ ઉકેલાતા બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવ્યા છે. છેલ્લા અઢાર મહિનામાં, ICGએ ATS સાથે મળીને આઠ વિદેશી જહાજોને અટકાવ્યા છે અને રૂ. 2355 કરોડની કિંમતનો 407 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.