દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ગઈકાલે સોમવારે ઢળતી સાંજે ભાણવડ પંથકમાં જુગાર દરોડો પાડી, આ સ્થળે રમતા જુગાર ધામમાંથી કુલ રૂપિયા 1.38 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. તો અન્ય ઘટનામાં પોલીસે જાહેરમાં જુગાર રમતી મહિલાને પણ ઝડપી પાડી હતી. આ સાથે જ કેનેડીની મહિલાને માર મારી, ત્રાસ ગુજારતા સાસરિયાઓ સામે ગુનો નોંધાયો છે.
►ભાણવડમાં જુગારધામ પર LCBનો દરોડો
આ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ નજીક આવેલી ગરાસ સીમ વિસ્તારમાં એક વાડી ભાગમાં રાખી, રાજેશ ગોવિંદ રાઠોડ નામના એક ભાગીયાએ આ વાડીના રહેણાંક મકાનમાં લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, અહીં બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવીને ગંજીપત્તા વડે તીનપત્તી-રોન પોલીસ નામના રમાતા જુગાર પર એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રાજેશ ગોવિંદ રાઠોડ, અશોક રામદે સોલંકી, વિજય જીવણ નકુમ અને નરેન્દ્ર રણમલ ગોરફાડ નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 1,38,130 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
►મહિલાને માર મારી, ત્રાસ ગુજારતા સાસરિયાઓ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે હાલ રહેતી અને કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે શક્તિનગર વિસ્તારમાં રહેતા અનિલભાઈ રણમલભાઈ રાઠોડની પત્ની રંભીબેન (ઉ.વ.32)ને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના સસરા રણમલ પુંજાભાઈ રાઠોડ, સાસુ કેશરબેન તથા નણંદ સંધ્યા ઉર્ફે વિજયાબેન રણમલભાઈ રાઠોડ દ્વારા વિવિધ પ્રકારે શારીરિક તથા માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં પરિણીતાના સાસુ, સસરા તથા નણંદ સામે આઈ.પી.સી. કલમ 498 (એ), 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
►દારૂના જથ્થા સાથે દ્વારકાનો શખ્સ ઝડપાયો
દ્વારકામાં મથુરા ભવનની પાછળના ભાગે રહેતા ચંદ્રેશ ઉર્ફે ચંદુ રવજી પરમાર નામના 28 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની સાત બોટલ સહિત કુલ રૂપિયા 5,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ દરોડામાં રામસિંગભા હાથલ નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનો ખુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
►સલાયામાં જુગાર રમતી બે મહિલાઓ ઝડપાઈ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા સકીનાબેન જુસબ સુંભણીયા અને હસીના આમીન સુંભણીયા નામના બે મહિલાઓને પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા 4,920નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.