દેશના રક્ષકો માટે 'રક્ષા' મોકલાશે:ખંભાળિયામાં બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી 1000 રાખડીઓ સરહદ પર સૈનિકો માટે મોકલાશે

દ્વારકા ખંભાળિયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમ આગામી રવિવારે મ્યુનિસિપલ ગાર્ડન ખાતે આવેલા યોગ કેન્દ્રમાં રાખવામાં આવ્યો

ભારતની સરહદ પર જીવની પરવાહ કર્યા વિના દેશની રક્ષા કાજે ફરજ બજાવતા સૈનિકોની સુરક્ષા માટે ખંભાળિયાના બ્રહ્મ સમાજના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ બોર્ડર પર મોકલવા ઉપરાંત અન્ય સામાજિક સેવા કાર્યક્રમોનું સુંદર આયોજન આગામી રવિવાર તારીખ 7મીના રોજ કરવામાં આવ્યું છે. ખંભાળિયાના બ્રહ્મ સમાજ મિત્ર મંડળ દ્વારા અહીંના બ્રહ્મ સમાજના સન્નારી ગ્રુપના મહિલાઓએ તૈયાર કરેલી 1000 રાખડીઓ બોર્ડર પર આર્મીમેનને મોકલવા માટે અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયને સુપ્રત કરવામાં આવશે.

1000 રાખડીઓ બોર્ડર પર આર્મીમેન માટે મોકલાશે
આ ઉપરાંત કોરોના કાળમાં દર્દીઓની સેવા કરી અનેકના જીવ બચાવનારા તબીબો ઉપરાંત કોરોનાના કારણે અવસાન પામેલા અનેક મૃતકના અગ્નિસંસ્કાર કરવા માટે દિવસ-રાત નોંધપાત્ર જહેમત ઉઠાવનારા અહીંના સ્વર્ગપૂરી સ્મશાનના કર્મચારી જગજીવનભાઈ સોલંકીની નોંધપાત્ર સેવાને બિરદાવી, તેમને સન્માનિત કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ આગામી રવિવાર તારીખ સાતમીના રોજ અત્રે મ્યુનિસિપલ ગાર્ડન ખાતે આવેલા યોગ કેન્દ્રમાં યોજવામાં આવ્યો છે. જેમાં શહીદોના સંતાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્વે બપોરે 2:30 વાગ્યે એક્સ આર્મીમેનોની વીર વંદના રેલી નીકળશે. જે શહેરના જુદા જુદા વિસ્તારો પર ફરશે. આ સુંદર અને પ્રેરણારૂપ આયોજન માટે અહીંના બ્રહ્મ સમાજ મિત્ર મંડળના પ્રમુખ વજુભાઈ વોરીયાના વડપણ હેઠળ સમગ્ર ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...