દોડધામ:ડુંગરડા આશ્રમશાળાનાં 105 બાળકોને ઝાડા, ઉલટી-તાવનાં લક્ષણોથી દોડધામ

વઘઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 53 બાળકો સ્વસ્થ જણાયા તો 52 બાળકોને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે

વઘઇ નજીક આવેલ ડુંગરડા આશ્રમશાળાનાં 105 બાળકોને ઝાડા, ઉલટી અને તાવનાં લક્ષણો જણાતા દોડધામ મચી ગઇ હતી. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલાં ડુંગરડા આશ્રમશાળાનાં હાજર 182માંથી 105 જેટલા બાળકોને સવારે 6 વાગ્યાનાં અરસામાં અચાનક ઝાડા-ઉલટી અને તાવનાં લક્ષણો જણાતા આશ્રમશાળાનાં સ્ટાફ દ્વારા આ તમામ બાળકોને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની વઘઇ સીએચસીમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ સંચાલક મંડળને તથા આશ્રમશાળા અધિકારી વલસાડ તેમજ વાલીઓને થતા તેઓ પણ આશ્રમશાળા સહિત વઘઇ સીએચસીમાં દોડી ગયા હતા અને બાળકોને મળી સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી.

અહીં 53 બાળકો એકદમ સ્વસ્થ જણાતા વાલીઓ પ્રાથમિક સારવાર મેળવી ઘરે લઈ ગયા હતા. જ્યારે 52 બાળકો સારવાર હેઠળ રખાયા હતા.આ બાબતે વઘઇ સીએચસીનાં ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો તેજલના જણાવ્યા મુજબ વઘઇ નજીકનાં ડુંગરડા આશ્રમ શાળાનાં 105 જેટલા બાળકોને ઝાડા, ઉલટી,પેટમાં દુઃખવુ અને તાવ જેવા લક્ષણો દેખાતા આશ્રમશાળાનાં સંચાલકો અને સ્ટાફ દ્વારા વઘઇ સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા.

આ તમામ બાળકો ઝાડા-ઉલટી અને તાવથી સંક્રમિત થયા હતા. દાખલ કરાયેલ બાળકોને પૂછતા તેઓએ જણાવ્યુ હતું કે ગતરોજ સાંજે ભોજનમાં ખીચડી અને અડદની દાળ આરોગી હતી. જેથી ફૂડ પોઇઝનિંગની અસર લાગી રહી છે.

ઘટનાની તપાસ ચાલી રહી છે
ડુંગરડા આશ્રમશાળાનાં બાળકોને સાંજે રોટલી અને દાળ અપાઈ હતી. જ્યારે આજરોજ સવારે દાળ-ભાત, શાક અપાયું હતું. જે સાંજે અને સવારની રસોઈ રસોઇયાઓ દ્વારા તાજી બનાવીને પીરસવામાં આવી હતી અને રસોઇયા દ્વારા પણ આ ખોરાકને આરોગવામાં આવ્યો છે. વધુમાં ડુંગરડા આશ્રમશાળાનાં એકપણ બાળકને અમારા દ્વારા વાસી ખોરાક પીરસવામાં આવ્યો નથી. આ ઘટના કઈ રીતે બની છે જેની તપાસ ચાલી રહી છે. - જાનાભાઇ ગાયકવાડ, સંચાલક, આશ્રમશાળા

અન્ય સમાચારો પણ છે...